Sanatana Controversy : ઉદયનિધિ સ્ટાલિન સામે SCમાં દાખલ કરાઈ અરજી, હવે...

15 September, 2023 03:50 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Sanatana Controversy : ઉધયનિધિ સ્ટાલિન અને એ રાજાના નિવેદનો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી ચેન્નાઈના રહેવાસી વકીલ દ્વારા દાખલ કરવામાં આવી છે.

ફાઈલ તસવીર

સનાતન ધર્મ વિરુદ્ધ (Sanatana Controversy) ઉધયનિધિ સ્ટાલિન અને એ રાજાના નિવેદનો વિરુદ્ધ હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ અરજી ચેન્નાઈના રહેવાસી વકીલ દ્વારા દાખલ કરવામાં આવી છે. ડીએમકેના નેતા અને તમિલનાડુ સરકારના મંત્રી ઉધયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી. ત્યારબાદ ડીએમકે સાંસદ એ રાજાએ આ જ રીતે સનાતન ધર્મની તુલના એચઆઈવી સાથે કરી હતી. બંને નેતાઓના આ પ્રકારના નિવેદનો સામે ભાજપ સરકાર તેમના પર આકરા પ્રહાર કરી રહી છે. 

હવે આ સનાતન ધર્મની ટિપ્પણી (Sanatana Controversy)ને લઈને ચેન્નાઈના વકીલે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી આ અરજીમાં ઉધયનિધિ અને એ રાજા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માગ પણ કરવામાં આવી છે. આ અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ડીએમકે નેતાઓને આવા નિવેદનો કરતા રોકવા જોઈએ. તેમજ તમિલનાડુમાં સનાતન ધર્મ વિરુદ્ધ થઈ રહેલા કાર્યક્રમોને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. 

આ સાથે જ એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આવા લોકોને સરહદ પારથી ફંડ મળી રહ્યું છે કે કેમ તેની તપાસ થવી જોઈએ. LTTE સાથે આ નેતાઓનું કોઈ કનેક્શન છે કે કેમ એ બાબતે પણ તપાસ થવી જોઈએ.

આ મામલે વહેલામાં વહેલી તકે સુનાવણી કરવાની પણ થઈ છે વિનંતી

અરજદાર દ્વારા શુક્રવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને આ અરજીની વહેલી સુનાવણી માટે વિનંતી કરવામાં આવી હતી. આ સાથે મુખ્ય ન્યાયાધીશે પણ એમ કહ્યું હતું કે તેમણે સુનાવણી માટે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. 

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિના સનાતન ધર્મના વિવાદિત નિવેદન (Sanatana Controversy)થી દેશનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ડીએમકેના નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલા આવા નિવેદનોનો  ભાજપ પાર્ટી તરફથી સખત વિરોધ કર્યો છે. 

તમિલનાડુ સરકારના મંત્રી ઉધયનિધિએ એક કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ (Sanatana Controversy) છે. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી, બલ્કે તેને ખતમ કરવો પડે છે. જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા કે કોરોનાનો વિરોધ કરવો શક્ય નથી, પરંતુ તેને આપણે નાબૂદ જ કરવો પડે છે. એ જ રીતે આપણે સનાતનનો પણ નાશ કરવાની તાતી જરૂર છે. આ સાથે તાજેતરમાં તેમણે ભાજપ ઉપર પણ `ઝેરી સાપ` કહીને આકરા પ્રહાર કર્યા હતા. 

બીજી તરફ ડીએમકે સાંસદ એ રાજાએ પણ ઉદયનિધિ સ્ટાલિન જેવા જ વિવાદિત નિવેદનો (Sanatana Controversy) આપ્યા હતા. તેમણે કહ્યું કે સનાતન ધર્મ સામાજિક કલંક સાથેનો રોગ છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મની સરખામણી તો એચઆઈવી અને રક્તપિત્ત જેવા રોગો સાથે થવી જોઈએ જેના પર સામાજિક કલંક છે. આ નિવેદનને કારણે તેમની સામે એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે.

sanatan sanstha bharatiya janata party tamil nadu supreme court national news india