સજાતીય લગ્નોને મળશે માન્યતા? સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ કરશે સુનાવણી

14 March, 2023 10:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે અગાઉ ઍફિડેવિટ દાખલ કરી આવાં મૅરેજને માન્યતા આપવા સામે પોતાનો વિરોધ વ્યકત કર્યો છે

પ્રતિકાત્મક તસવીર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સજાતીય લગ્ન (સેમ સેક્સ મૅરેજ)ને માન્યતા આપવા માટે કરેલી અરજીઓને પાંચ જજોની બંધારણીય બેન્ચ પાસે મોકલી આપી છે. હવે ૧૮ એપ્રિલે આ મામલે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે આ બાબતને બહુ જ મહત્ત્વની ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસની સુનાવણીનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ મામલે ગઈ કાલે ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જે. બી. પારડીવાલની બેન્ચે સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું હતું કે અરજીમાં જે અધિકારોના મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે એ બંધારણીય મુદ્દાઓ છે, એથી એની સુનાવણી પાંચ જજોની બંધારણીય બેન્ચ કરશે. 

દરમ્યાન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો પક્ષ રાખતાં સજાતીય લગ્નની મંજૂરી આપતી અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રેમ કરવાની, પ્રેમને જાહેર કરવાની આઝાદી છે, આ અધિકારને કોઈ આંચકી લેવા માગતું નથી; પરંતુ એનો અર્થ લગ્નનો અધિકાર આપવાનો નથી. જો સજાતીય લગ્નને માન્યતા આપવામાં આવશે તો બાળકને દત્તક આપવાનો સવાલ અમારી સમક્ષ આવશે. એથી બાળકોને પડનારી માનસિક અસરને પણ જોવી પડશે; સાથોસાથ એ પણ જોવું પડશે કે આ પ્રમાણે બાળકોને ઉછેરી શકાય કે નહીં.

સરકારે કોર્ટમાં દાખલ કરેલા ઍફિડેવિટમાં કહ્યું હતું કે સજાતીય લગ્નને મંજૂરી આપી શકાય નહીં, કારણ કે આ પ્રકારનાં લગ્નો ભારતીય પરિવારની માન્યતાની વિરુદ્ધ છે. 

national news lesbian gay bisexual transgender new delhi supreme court indian government