મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ દોરડા પર લટકતા મળ્યા

03 July, 2024 03:03 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

દિલ્હીના બુરાડી સામૂહિક હત્યાકાંડનાં ૬ વર્ષ બાદ એ જ તારીખે એવી જ ઘટના

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લામાં રાવડી નામના ગામમાં સોમવારે એક બંધ મકાનમાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મરનારી વ્યક્તિઓમાં પિતા રાકેશ સિંહ, પત્ની લલિતા, પુત્રો પ્રકાશ અને અક્ષય તેમ જ પુત્રી લક્ષ્મીનો સમાવેશ છે. તમામના મૃતદેહ દોરડા પર લટકતા મળી આવ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે રાકેશ સિંહ ખેડૂત છે, અમે આત્મહત્યા અને મર્ડરના ઍન્ગલથી તપાસ કરી રહ્યા છીએ. રાકેશના કાકા સવારે ઘરે પહોંચ્યા ત્યારે આ સામૂહિક આત્મહત્યાની જાણકારી મળી હતી.

રાકેશ સિંહના પિતા પર દોઢ મહિના પહેલાં ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. એવું લાગી રહ્યું છે કે આપસી દુશ્મનાવટમાં આ હત્યાઓ થઈ હોવી જોઈએ. 

શું થયું હતું બુરાડીમાં ?

રાજધાની દિલ્હીના બુરાડીમાં ૨૦૧૮ની ૩૦ જૂનની રાતે ૧૨થી ૧ વાગ્યાની વચ્ચે ચુંડાવત પરિવારના ૧૧ લોકોએ સામૂહિક આત્મહત્યા કરી હતી અને એ સમયે લોકો સ્તબ્ધ થયા હતા અને પહેલી જુલાઈએ આ સામૂહિક આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો. બસ એ જ રીતે એ જ તારીખે મધ્ય પ્રદેશમાં આ ઘટના બની છે. બુરાડી કેસમાં પરિવારના હેડ લલિતે જાદુ-ટોણાથી વશીભૂત થઈને આખા પરિવારને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો અને ૧૧ લોકોનાં મોતને મનોવિકૃતિથી પ્રેરિત માનવામાં આવ્યાં હતાં.

suicide madhya pradesh national news