16 April, 2023 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર
ભરતપુરઃ રાજસ્થાનમાં અત્યારે મુખ્ય પ્રધાન અશોક ગેહલોટ અને સિનિયર નેતા સચિન પાઇલટની વચ્ચે ઘર્ષણની સ્થિતિ જળવાઈ રહી છે ત્યારે આ મુદ્દે ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે પાઇલટજી તમારો નંબર નહીં આવે.
ભરતપુરમાં બૂથ સ્તરના પાર્ટી-વર્કરોને સંબોધતાં અમિત શાહે કહ્યું હતું કે ‘રાજસ્થાનની જનતાએ કૉન્ગ્રેસ પાર્ટીને સત્તા આપી. હવે બે જણ સત્તા માટે લડી રહી રહ્યા છે. ગેહલોટજી લડી રહ્યા છે, તેઓ ખુરશી પરથી ઊતરવા ઇચ્છતા નથી. પાઇલટજી કહે છે કે મારે સીએમ બનવું છે. જોકે તેઓ બન્ને શા માટે લડે છે? સરકાર તો બીજેપીની જ બનવાની છે. તેઓ નિરર્થક લડાઈ લડી રહ્યા છે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘પાઇલટજી તમે કંઈ પણ કરો, તમારો નંબર નહીં આવે. તમારું કન્ટ્રિબ્યુશન કદાચ ગ્રાઉન્ડ લેવલે ગેહલોટ કરતાં વધારે હોય શકે છે. જોકે કૉન્ગ્રેસના ખજાનામાં ગેહલોટજીનું કન્ટ્રિબ્યુશન વધારે છે, તમારો નંબર નહીં આવે. રાજસ્થાનના શાસકોએ આ રાજ્યને લૂંટવાનું કામ કર્યું છે. ગેહલોટ સરકાર રાજસ્થાનમાં આઝાદી બાદ આવેલી સૌથી ભ્રષ્ટ સરકાર છે. બીજેપીની વિચારધારા તેમ જ નરેન્દ્ર મોદીના કામ અને લોકપ્રિયતાના આધારે અમે ચૂંટણીના મેદાનમાં જઈશું.’