10 May, 2023 12:03 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
જયપુરમાં ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતા કૉન્ગ્રેસના નેતા સચિન પાઇલટ. તસવીર પી.ટી.આઇ.
રાજસ્થાનના રાજકારણમાં કૉન્ગ્રેસના નેતા સચિન પાઇલટ વધુ એક તોફાન લાવ્યા છે. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોટનાં નેતા સોનિયા ગાંધી નહીં, પરંતુ બીજેપીનાં વસુંધરા રાજે છે.
આવો આક્ષેપ મૂકવાનું કારણ ગેહલોટનું એક સ્ટેટમેન્ટ હતું. તેમણે ગયા વીકેન્ડમાં કહ્યું હતું કે ૨૦૨૦માં જ્યારે પાઇલટે કેટલાક વિધાનસભ્યોની સાથે બળવો કર્યો હતો ત્યારે તેમની સરકારને બચાવવામાં ભૂતપૂર્વ સીએમ વસુંધરા રાજેએ મદદ કરી હતી.
આ જ કારણે પાઇલટે ગઈ કાલે જણાવ્યું હતું કે જ્યારે-જ્યારે હું વસુંધરા રાજેના રાજમાં કરપ્શનની વાત કરું છું, પેપર લીક વગેરેની વાત કરું છું ત્યારે મને જવાબ મળતો નથી. ગેહલોટના સ્ટેટમેન્ટ બાદ કાર્યવાહી શા માટે નહીં થાય એ બાબત સ્પષ્ટ થઈ છે. હવે મને કોઈ આશા રહી નથી.
આ પણ વછો : આપને રાજસ્થાન પંજાબ પાર્ટ-ટૂ બનવાની આશા
પાઇલટે કહ્યું હતું કે ‘હું પાર્ટી છોડવાનો નથી, કેમ કે આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ચાન્સિસ ગુમાવવા ઇચ્છતો નથી.’ એના બદલે પાઇલટે કરપ્શનના મુદ્દે અવાજ ઉઠાવવા માટે અજમેરથી જયપુર સુધી ‘જન સંઘર્ષ યાત્રા’ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
પાયલટે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનની સ્પીચ સાંભળ્યા બાદ હું માનું છું કે તેમનાં લીડર વસુંધરા રાજે છે. તેમણે (ગેહલોટે) આરોપ મૂક્યો હતો કે બીજેપીએ તેમની સરકારને ઊથલાવવાની કોશિશ કરી હતી. એ પછી તેઓ કહે છે કે બીજેપીના એક નેતાએ તેમની સરકારને બચાવવામાં મદદ કરી હતી. તેમણે તેમનાં આ વિરોધાભાસી સ્ટેટમેન્ટ્સનો ખુલાસો કરવો જોઈએ.’