06 October, 2024 09:05 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
એસ. જયશંકર
શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જઈ રહેલા ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે ગઈ કાલે આ મુલાકાત વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થવાની શક્યતા નકારી દીધી હતી અને જણાવ્યું હતું કે હું SCO શિખર સંમેલનમાં જઈ રહ્યો છું.
નવી દિલ્હીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં વિદેશપ્રધાને એ સ્વીકાર્યું હતું કે બન્ને રાષ્ટ્રો વચ્ચે જે પ્રકારના સંબંધો છે એ જોતાં મારી મુલાકાત પર મીડિયાનું ધ્યાન રહેશે. સાથે-સાથે તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે ‘આ મુલાકાતમાં કોઈ વાટાઘાટો થશે નહીં. આ તો SCOનું શિખર સંમેલન છે અને એમાં જવું એ મજબૂરી છે. હું ત્યાં ભારત અને પાકિસ્તાનના સંબંધો વિશે ચર્ચા કરવા જઈ રહ્યો નથી. હું ત્યાં SCOના સારા મેમ્બર તરીકે ભાગ લેવા જઈ રહ્યો છું, પણ તમે જાણો છો કે હું એક નમ્ર અને સામાન્ય નાગરિક છું એથી મારું વર્તન એને છાજે એવું જ રહેશે.
SCO કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકનું આયોજન પાકિસ્તાને ૧૫ અને ૧૬ ઑક્ટોબરે કર્યું છે. પરંપરા મુજબ એમાં વડા પ્રધાન કે સરકારના હેડ હાજરી આપતા હોય છે. એ નોંધવું રહ્યું કે પાકિસ્તાનની ધરતી પરથી ફેલાવવામાં આવતા આતંકવાદના કારણે બન્ને દેશો વચ્ચે સંબંધો તનાવપૂર્ણ છે એવા સમયે એક દશકામાં પહેલી વાર ભારતના વિદેશપ્રધાન પાકિસ્તાનની મુલાકાત લેવાના છે.