રશિયાનો આરોપ : અમેરિકા ભારતમાં ​​ઇલેક્શન સમયે અસ્થિરતા સર્જવા માગે છે

10 May, 2024 07:25 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અમેરિકાની કોશિશ ભારતમાં ચાલી રહેલી ચૂંટણી વખતે ત્યાં અસ્થિરતા ઊભી કરવાની છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રશિયાએ ગઈ કાલે અમેરિકા પર એક ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે વૉશિંગ્ટન ભારતને અસ્થિર બનાવવાની કોશિશ કરી રહ્યું છે, અમેરિકાની કોશિશ ભારતમાં ચાલી રહેલી ચૂંટણી વખતે ત્યાં અસ્થિરતા ઊભી કરવાની છે. રશિયન સરકારની માલિકીના સમાચાર નેટવર્ક ‘આરટી ન્યુઝ’એ જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા જખારોવાએ અમેરિકા વિશેના તેમના નિવેદનમાં જણાવ્યું છે કે ભારતીય માનસિકતા અને ઇતિહાસની અમેરિકાને કોઈ સમજ નથી અને એ કોઈ પણ આધાર વિના ભારત પર ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે આરોપ લગાવે છે.
રશિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા તરફથી ભારતના લોકતંત્ર, ધાર્મિક સ્વતંત્રતા અને માનવાધિકારના ઉલ્લંઘનની સ્થિતિ પર કેટલાક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે એમાં ભારતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે.

મારિયાએ વધુમાં કહ્યું હતું કે ‘જે રીતે અમેરિકાએ ભારત પર આરોપ લગાવ્યા છે એ એક દેશ તરીકે ભારત માટે અપમાનજનક છે. અમેરિકાએ લગાવેલા આરોપો પાછળ કોઈક કારણ લાગે છે. એ ભારતમાં આંતરિક રાજનીતિક સ્થિતિને અસંતુલિત કરવા અને લોકસભાની ચૂંટણીને વધારે જટિલ બનાવવા માગે છે.’ વૉશિંગ્ટનની આવી હરકતો સ્પષ્ટ રૂપે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ સમાન છે, જેનું કદી સમર્થન કરી શકાય નહીં. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડ્યંત્રમાં અમેરિકાએ હજી સુધી ભારતીય નાગરિકોની સંડોવણી વિશે કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી.

national news india Lok Sabha Election 2024 russia washington united states of america