24 March, 2025 11:04 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબળે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ મુસ્લિમોને ટેન્ડરમાં ૪ ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. RSS મહાસચિવ દત્તાત્રેય હોસાબળેએ કહ્યું હતું કે ભારતીય બંધારણમાં ધર્મ આધારિત અનામતનો સ્વીકાર નહોતો કરવામાં આવ્યો, જેને બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે તૈયાર કર્યું હતું. આ સાથે બંગલાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યક સમુદાયો પર હુમલા વિશે RSSએ ચિંતા વ્યક્ત કરી હતી. બંગલાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદથી હિન્દુઓ પર મોટા પ્રમાણમાં હુમલા થયા. ત્યાર બાદ RSSએ હવે બંગલાદેશમાં હિન્દુઓના નિરંતર અને વ્યવસ્થિત ઉત્પીડન પર ચિંતા વ્યક્ત કરી છે અને એને પાકિસ્તાન તથા ડીપ સ્ટેટથી જોડાયેલા એક મોટા ભૂરાજનીતિક ષડ્યંત્રનું પરિણામ ગણાવ્યું છે.
હિંસા માત્ર બંગલાદેશનો આંતરિક મુદ્દો નથી
હિંસા માત્ર બંગલાદેશનો આંતરિક મુદ્દો નથી, પરંતુ આ વિસ્તારને અસ્થિર કરવાના મોટા પ્રયાસનો હિસ્સો છે. આંતરરાષ્ટ્રીય તાકાતો, ખાસ કરીને પાકિસ્તાન અને ડીપ સ્ટેટ દ્વારા પાડોશી દેશો વચ્ચે અવિશ્વાસ અને દુશ્મનીનો માહોલ બનાવવાનું એક સુનિયોજિત ષડ્યંત્ર થઈ રહ્યું છે. આ તત્ત્વ બંગલાદેશમાં ભારતવિરોધી નિવેદનબાજીને ભડકાવવા માટે કામ કરી રહ્યાં છે જેનાથી નવી દિલ્હી અને ઢાકા વચ્ચેના રાજકીય સંબંધોને નુકસાન પહોંચી શકે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરકાર્યવાહ અરુણ કુમારે શનિવારે અખિલ ભારતીય પ્રતિનિધિસભા દ્વારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ પર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રતિનિધિસભામાં સંગઠનાત્મક કાર્યોનું વિશ્લેષણ, વિકાસ, પ્રભાવ અને સમાજપરિવર્તન પર ચર્ચા કરવામાં આવી હતી. સંઘે છેલ્લાં ૧૦૦ વર્ષોમાં કાર્યના વિસ્તાર અને મજબૂતાઈ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સંઘની યાત્રા વિશે માહિતી આપી અને એક શાખાને લઈને સમગ્ર દેશમાં તબક્કાવાર વિસ્તાર કરવાની માહિતી આપી હતી.