આ તો સંઘ-બીજેપીનો પ્રોજેક્ટ

11 January, 2024 09:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આમ કહીને કૉન્ગ્રેસે રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારંભના આમંત્રણનો અસ્વીકાર કર્યો

રામ મંદિરની પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : કૉન્ગ્રેસે બુધવારે જાહેરાત કરી હતી કે પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વીકાર કર્યો છે. પાર્ટીએ એવો આરોપ મૂક્યો હતો કે આ બીજેપી અને આરએસએસ માટે પૉલિટિકલ પ્રોજેક્ટ બની ગયો છે. 

કૉન્ગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદનમાં બીજેપી અને આરએસએસને અધૂરા મંદિરના ઉદ્ઘાટન પાછળના હેતુ અંગે સવાલ કર્યો હતો. ગયા મહિને કૉન્ગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગે, કૉન્ગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કૉન્ગ્રેસના નેતા ચૌધરીને ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું.

જયરામ રમેશે કહ્યું હતું કે ‘આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ વ્યક્તિગત બાબત છે, પરંતુ આરએસએસ/બીજેપીએ લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવ્યો છે. બીજેપી અને આરએસએસના નેતાઓ ચૂંટણીના લાભ માટે અધૂરા મંદિરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.’ તેમણે પોતાના નિવેદનમાં ઉમેર્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના ૨૦૧૯ના ચુકાદાનું પાલન કરતાં અને ભગવાન રામના લાખો ભક્તોની ભાવનાઓનું સન્માન કરતાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ આરએસએસ/ભાજપના આ કાર્યક્રમનું આમંત્રણ સન્માનપૂર્વક નકારી કાઢ્યું છે.’

રાવણની જેમ કૉન્ગ્રેસનું મગજ ખસી ગયું છે : બીજેપી
નવી દિલ્હી : રામમં​દિરની અ​ભિષેક વિધિમાં ૨૨મી જાન્યુઆરીએ હાજરી નહીં આપવાના ​નિર્ણયનો કૉન્ગ્રેસને અફસોસ થશે એમ કેન્દ્રીય પ્રધાન અને બીજેપીના નેતા હરદીપસિંહ પુરીએ અયોધ્યા આવવાના ​નિમંત્રણનો સો​નિયા ગાંધીએ અસ્વીકાર કરતાં પક્ષના પ્રથમ પ્રત્યાઘાતરૂપે આમ જણાવ્યું હતું. કૉન્ગ્રેસ પક્ષ પોતાના શબ્દચાતુર્યમાં અટવાઈ ગયો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

બીજેપીના પ્રવક્તા નલિન કોહલીએ પણ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી દ્વારા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવવાના નિર્ણય વિશે કહ્યું હતું કે ત્રેતાયુગમાં રાવણનું જેમ બન્યું હતું તેમ જ કૉન્ગ્રેસનું મગજ ખસી ગયું છે. તેઓ તેમની વાક્પટુતામાં અટવાઈ ગયા છે. તેમને શા માટે ગંભીરતાથી લેવા જોઈએ? અયોધ્યા નહીં આવવા બદલ તેઓ ખેદ અનુભવશે એમ પુરીએ જણાવ્યું. બીજેપીના નેતા ન​લિન કોહલીએ જણાવ્યું કે ભગવાન રામના અ​સ્તિત્વને તેમણે નકાર્યું હોવાથી કૉન્ગ્રેસ પક્ષના​ નિર્ણયથી આશ્ચર્ય નહીં થાય.
અયોધ્યા ખાતે મંદિર માટે છેલ્લા થોડા દાયકાઓમાં કૉન્ગ્રેસે કોઈ પગલાં લીધાં નથી તેમણે ભગવાન રામના અસ્તિત્વનો અસ્વીકાર કર્યો છે અને સુનાવણીમાં ​વિલંબ કર્યો છે. આથી કૉન્ગ્રેસ પક્ષ સત્તાવારપણે એમ કહેતો હોય કે તેઓ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી નહીં આપે તો કોઈને આશ્ચર્ય થવું નહીં જોઈએ એમ તેમણે જણાવ્યું.
કૉન્ગ્રેસ પક્ષે બુધવારે નિમંત્રણનો અસ્વીકાર કર્યો હતો.

national news ram mandir ayodhya