આજથી મહારાષ્ટ્રના રેસિડન્ટ ડૉક્ટરો બેમુદત હડતાળ કરશે

13 August, 2024 11:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કલકત્તામાં ટ્રેઇની મહિલા ડૉક્ટરના રેપ-મર્ડરના વિરોધમાં...

ગઈ કાલે દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં દેશવ્યાપી હડતાળની હાકલ કરતા ફેડરેશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ અસોસિએશનના સભ્યો

કલકત્તાની મેડિકલ કૉલેજમાં એક ટ્રેઇની મહિલા ડૉક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કરવાના મામલામાં દેશભરમાં ડૉક્ટરો વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના રેસિડન્ટ ડૉક્ટરોએ પણ આજથી બેમુદત હડતાળ પર જવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર સ્ટેટ અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD) દ્વારા ગઈ કાલે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે અમારા કલીગને સપોર્ટ કરવા માટે અમે આવતી કાલ (મંગળવાર)થી બેમુદત હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. આથી મહારાષ્ટ્રની હૉસ્પિટલોમાં આવતી કાલથી ઇમર્જન્સી સિવાયની તમામ મેડિકલ સર્વિસને અસર પહોંચશે. સંબંધિત ઑથોરિટીએ વહેલી તકે સેન્ટ્રલ હેલ્થકૅર પ્રોટેક્શન ઍક્ટને અમલમાં મૂકવા માટે એક્સપર્ટ કમિટી બનાવવી જોઈએ, ડૉક્ટરોની સિક્યૉરિટીમાં વધારો કરવો જોઈએ અને હૉસ્પિટલમાં ૨૪ કલાક રેકૉર્ડિંગ કરી શકે એવા ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા મૂકવા જોઈએ વગેરે માગણી કરી છે. મુંબઈની કેઈએમ, નાયર અને સાયન હૉસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટરોએ પણ હડતાળમાં સાથ આપવાનો નિર્ણય લીધો છે.   

કેસ સંપૂર્ણપણે ઉકેલવા મમતા બૅનરજીએ કલકત્તા પોલીસને રવિવાર સુધીનો સમય આપ્યો

કલકત્તાની મેડિકલ કૉલેજમાં જુનિયર લેડી ડૉક્ટર પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યાના કેસને ઉકેલવા માટે મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કલકત્તા પોલીસને રવિવાર સુધીનો સમય આપ્યો હતો અને તાકીદ કરી હતી કે જો ત્યાં સુધીમાં કેસ નહીં ઉકેલાય તો એને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપી દેવામાં આવશે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવામાં આવશે. પોલીસે આ કેસમાં આરોપી સંજોય રૉયની ધરપકડ કરી છે, પણ ડૉક્ટરોનું કહેવું છે કે આ કેસમાં બીજા લોકો પણ સંડોવાયેલા હોવાથી જ્યાં સુધી તેમની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ચૂપ નહીં બેસે. આને લીધે જ મમતા બૅનરજીએ પોલીસને રવિવાર સુધીમાં કેસ સૉલ્વ કરવાનો સમય આપ્યો છે.

આ કેસની CBI દ્વારા તપાસ કરવામાં આવે એવી માગણી કરતી જનહિતની અરજીની આજે કલકત્તા હાઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આવા જ સંદર્ભની બીજી પિટિશનોની સુનાવણી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ટી. એસ. સિવાન્ગનમની કોર્ટમાં થશે.

new delhi kolkata national news west bengal mamata banerjee