26 January, 2023 01:28 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બીએસએફની મહિલા ટુકડી ઊંટના કાફલા સાથે પરેડમાં ભાગ લેશે
નવી દિલ્હી : ઊંટ પર સવાર મહિલા ટુકડી પહેલી વાર પુરુષ સમકક્ષો સાથે શાહી પોશાકમાં ઊંટ પર સવારી કરી ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેશે. આ ટુકડીની ૧૨ મહિલાઓ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સાથે સંકળાયેલી વિશેષ રીતે ડિઝાઇન કરેલા સત્તાવાર યુનિફૉર્મમાં સજ્જ હશે, જેમાં ભારત દેશની અનેક શિલ્પકળાની ઝલક જોઈ શકાશે.
સોશ્યલ મીડિયા પર આ સંબંધે એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બીએસએફની મહિલા ટુકડી ઊંટની શાહી સવારી કરી રહી છે. પ્રસિદ્ધ ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોડે મહિલા ઊંટ ટુકડીના યુનિફૉર્મની ડિઝાઇન તૈયાર કરી છે. ગણતંત્ર દિવસની પરેડ પ્રત્યેક માટે ખાસ હોય છે. આ પ્રસંગે દેશની સંસ્કૃતિ અને શક્તિને સમગ્ર વિશ્વ સામે પ્રદર્શિત કરવામાં આવે છે.