11 February, 2023 09:59 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
લખનઉમાં ગઈ કાલે ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૩ના ઉદ્ઘાટન સેશન દરમ્યાન સંબોધન કરી રહેલા મુકેશ અંબાણી. તસવીર પી.ટી.આઇ.
લખનઉ : લખનઉમાં ગઈ કાલે ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૩નો આરંભ થયો હતો. ઉદ્ઘાટન સેશન દરમ્યાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ રાજ્યને અનેક ભેટ આપવાની જાહેરાત કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશમાં આગામી ચાર વર્ષમાં જિયો, રીટેલ અને રિન્યુએબલ બિઝનેસિસમાં વધારાનું ૭૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ નવા રોકાણથી આ રાજ્યમાં એક લાખથી વધુ નોકરીઓ ઊભી થશે.
આ પણ વાંચો: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાઇડ્રોજનથી ચાલતી ટ્રક લૉન્ચ કરવાની તૈયારીમાં
દેશની ઇકૉનૉમી વિશે તેમણે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીજી, તમે બિલકુલ યોગ્ય જ કહ્યું હતું કે ભારત હવે એના અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યું છે. દુનિયામાં કોઈ પણ ભારતના અર્થતંત્રનાં ફન્ડામેન્ટલ્સ વિશે સવાલ ન કરી શકે. હું આમ માનું છું એની પાછળ ચાર કારણો છે. પહેલું તો ભારતીયો જે રેટથી ટેક્નૉલૉજીને અપનાવી રહ્યા છે એ વિકસિત દુનિયામાં પણ જોવા મળતું નથી. બીજું કારણ એ છે કે સમગ્ર દુનિયામાં યુવાનોની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત છે. ત્રીજું, દુરંદેશી નેતૃત્વના કારણે પ્રાદેશિક અસમાનતા દૂર થઈ રહી છે. શહેરી ભારત અને ગ્રામીણ ભારત વચ્ચેનું અંતર પણ ઘટી રહ્યું છે. ચોથું અને સૌથી મહત્ત્વનું કારણ એ છે કે દેશના માઇન્ડસેટમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે. લોકોમાં અભૂતપૂર્વ આશાવાદ છે.’