31 January, 2024 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિલાયન્સ જિયો 2G અને 3G ઇન્ટરનેટ સર્વિસ બંધ કરવા માગે છે. એ માટે એણે ભારત સરકારને બન્ને સર્વિસ સિસ્ટમૅટિકલી બંધ કરવા અને 4G-5G સર્વિસના વિસ્તરણને ઝડપી બનાવવા વિનંતી કરી છે. રિલાયન્સ જિયોની સાથે અન્ય ઘણી ટેલિકૉમ કંપનીઓએ પણ આ પ્રસ્તાવ માટે સહમતી દર્શાવી છે. માગણીની દરખાસ્ત ટેલિકૉમ રેગ્યુલેટરને સુપરત કરવામાં આવી છે. જો દરખાસ્ત મંજૂર થાય તો 4G અને 5G સર્વિસના વધુ વિસ્તરણ વિશે વિચારી શકાય.
ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સ માટે 5G સર્વિસ શરૂ થયાને એક વર્ષથી વધુ સમય થયો છે, જેમાં રિલાયન્સ જિયો અને ઍરટેલ અગ્રણી છે. એક રિપોર્ટ અનુસાર લોકો હાલમાં 4G સર્વિસનો આનંદ લઈ રહ્યા છે, પરંતુ તેમને માટે 5G અપનાવવું સરળ નથી. રિલાયન્સ જિયોનું માનવું છે કે હવે સમય આવી ગયો છે કે સરકારે 2જી અને 3જી સેવાઓ બંધ કરી દેવી જોઈએ. એ માટે ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાય)એ ચોક્કસ યોજના બનાવીને કામ કરવું જોઈએ.
આ મામલે સૌથી રસપ્રદ વાત એ છે કે જિયો પાસે 2G સર્વિસ નથી, પરંતુ ઍરટેલ અને વોડાફોન આઇડિયા પાસે છે. રિપોર્ટ અનુસાર દેશમાં વસ્તીનો મોટો ભાગ હજી પણ 2G-3G ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી રહ્યો છે. જો આ બન્ને સેવા બંધ કરવામાં આવે તો 4G અને 5G માટે સિગ્નલ, બૅન્ડવિડ્થ અને સ્પીડ વધુ હશે. એક્સપર્ટના જણાવ્યા મુજબ આ દરખાસ્ત સમસ્યારૂપ બની શકે છે, કારણ કે દેશમાં મોટા ભાગના યુઝર્સ માટે સ્માર્ટફોન પર સ્વિચ કરવું ખૂબ મોંઘું પડશે.