યુપીમાં લાલ ફિતૂરશાહીનું સ્થાન લાલ જાજમે લીધું છે

20 February, 2024 09:27 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

પીએમ મોદીએ ઉત્તર પ્રદેશમાં ૧૦ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટના ઉદ્ઘાટન દરમ્યાન આવું જણાવ્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી , મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

લખનઉ (પી.ટી.આઇ.): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિન સરકારના સાત વર્ષમાં વેપાર, વિકાસ અને વિશ્વાસનું વાતાવરણ બન્યું છે અને રેડ ટેપ કલ્ચરનું સ્થાન રેડ કાર્પેટ કલ્ચરે લીધું છે. પીએમ મોદીએ યુપીમાં ૧૦ લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. તેમણે સમારોહ દરમ્યાન પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ‘સાત-આઠ વર્ષ પહેલાં કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે યુપીમાં રોકાણ અને નોકરીઓ માટે આ પ્રકારનું વાતાવરણ હશે. ત્યારે ગુનાખોરી અને રમખાણો થવાં સામાન્ય હતાં અને જો કોઈ એમ કહે કે ઉત્તર પ્રદેશનો વિકાસ થશે તો કોઈએ એના પર વિશ્વાસ પણ ન કર્યો હોત.’ 

પીએમ મોદીએ કહ્યું કે ‘યુપીમાં ડબલ એન્જિન સરકાર બની એને સાત વર્ષ થઈ ગયાં છે. આ વર્ષોમાં યુપીએ લાલ ફિતૂરશાહીની સંસ્કૃતિને બદલે લાલ જાજમનું કલ્ચર આવ્યું છે. છેલ્લાં સાત વર્ષમાં યુપીમાં ક્રાઇમ ઘટ્યો છે અને બિઝનેસ કલ્ચરનું વિસ્તરણ થયું છે. છેલ્લાં સાત વર્ષમાં યુપીમાં વેપાર, વિકાસ અને વિશ્વાસનું વાતાવરણ બન્યું છે.’ વડા પ્રધાને ઉમેર્યું કે બીજેપીની ડબલ એન્જિન સરકારે સાબિત કરી બતાવ્યું છે કે જો ઇરાદો હોય તો વિકાસ થવાથી કોઈ રોકી નહીં શકે. ઉત્તર પ્રદેશમાં નિકાસ પાછલાં વર્ષોમાં બમણી થઈ છે. રાજ્યએ વીજળી ઉત્પાદન અને ટ્રાન્સમિશનમાં પ્રશંસનીય કામ કર્યું છે. યુપી દેશમાં સૌથી વધુ એક્સપ્રેસવે ધરાવતું રાજ્ય છે.

ભારત હવે વિશ્વ માટે ઉદાહરણરૂપ
સંભલ (પી.ટી.આઇ.): પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યા બાદ જણાવ્યું હતું કે ૨૨ જાન્યુઆરીથી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ એક નવું ચક્ર શરૂ થયું છે. તેમણે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘ભગવાને મને રાષ્ટ્રીય રૂપી મંદિરનું પુનઃનિર્માણ કરવાની ફરજ સોંપી છે. એક તરફ દેશમાં તીર્થસ્થાનોનો વિકાસ થઈ રહ્યો છે તો બીજી તરફ શહેરોને હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે. જો દેશભરમાં મંદિર બની રહ્યાં છે તો મેડિકલ કૉલેજો પણ બની રહી છે.’ પીએમ મોદીએ કહ્યું કે આપણાં પ્રાચીન શિલ્પો વિદેશમાંથી પાછાં આવી રહ્યાં છે અને રેકૉર્ડ સંખ્યામાં વિદેશી રોકાણ પણ આવી રહ્યું છે. સમયચક્ર બદલાયું છે અને એક નવો યુગ દસ્તક આપી રહ્યો છે. ભારત પ્રથમ વખત એવી સ્થિતિમાં છે જ્યારે એ અન્યને અનુસરતું નથી, પણ એક દાખલો બેસાડી રહ્યું છે.    

national news narendra modi yogi adityanath uttar pradesh