20 May, 2023 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ગઈ કાલે ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટને લઈને ખૂબ મોટો નિર્ણય કર્યો છે. સેન્ટ્રલ બૅન્કે જણાવ્યું કે સર્ક્યુલેશનમાંથી ૨૦૦૦ રૂપિયાની નોટને એ પાછી ખેંચી લેશે અને લોકો ૩૦ સપ્ટેમ્બર સુધી તેમના બૅન્ક-અકાઉન્ટ્સમાં ૨૦૦૦ રૂપિયાની નોટને એક્સચેન્જ કે ડિપોઝિટ કરાવી શકશે. આરબીઆઇની પ્રાદેશિક ઑફિસો અને અન્ય બૅન્કો ૨૦૦૦ રૂપિયાની નોટની એનાથી ઓછા મૂલ્યની નોટથી એક્સચેન્જ કરવાનું ૨૩ મેથી શરૂ કરશે. આ નોટ ચલણમાં રહેશે. આરબીઆઇએ તમામ બૅન્કોને તાત્કાલિક ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની નોટ ઇશ્યુ કરવાનું બંધ કરવા જણાવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટો રાતોરાત બંધ કરી દીધા બાદ નવેમ્બર ૨૦૧૬માં આરબીઆઇ દ્વારા ૨૦૦૦ રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
આરબીઆઇએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘અન્ય મૂલ્યની નોટ પૂરતી ક્વૉન્ટિટીમાં અવેલેબલ થતાં ૨૦૦૦ રૂપિયાની નોટને અમલમાં લાવવાનો હેતુ પાર પડી ગયો હતો. એટલા માટે ૨૦૦૦ રૂપિયાની બૅન્કનોટનું પ્રિન્ટિંગ ૨૦૧૮-’૧૯માં બંધ કરી દેવામાં આવ્યું હતું.’
આરબીઆઇએ જણાવ્યું હતું કે ‘બૅન્ક બ્રાન્ચની રેગ્યુલર ઍક્ટિવિટી ખોરવાઈ ન જાય એ માટે કોઈ પણ બૅન્કમાં એક સમયે ૨૦૦૦ રૂપિયાની બૅન્કનોટ્સના એક્સચેન્જમાં અન્ય મૂલ્યની બૅન્કનોટ્સ મેળવવા માટેની મર્યાદા ૨૦,૦૦૦ રૂપિયા સુધીની કરી શકાય છે.’
સેન્ટ્રલ બૅન્કનું કહેવું છે કે ૨૦૦૦ રૂપિયાના નોટનો સામાન્ય રીતે ટ્રાન્ઝૅક્શન્સ માટે ઉપયોગ થતો નથી.
89
૨૦૦૦ રૂપિયાના મૂલ્યની લગભગ આટલા ટકા બૅન્કનોટ્સ માર્ચ ૨૦૧૭ પહેલાં ઇશ્યુ કરવામાં આવી હતી.
6.73
૨૦૧૮ની ૩૧ માર્ચે એની પિક પર આટલા લાખ કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની બૅન્કનોટ્સ સર્ક્યુલેશનમાં હતી.
3.62
૨૦૨૩ની ૩૧મી માર્ચે આટલા લાખ કરોડની ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની બૅન્કનોટ્સ સર્ક્યુલેશનમાં હતી.
લોકોએ ડરવાની જરૂર નથી
ન્યુઝ એજન્સી એ.એન.આઇ.એ એક ક્વોટને ટાંકીને જણાવ્યું હતું કે ‘રિઝર્વ બૅન્કના અંદાજ અનુસાર બૅન્કોમાં જઈને નોટ એક્સચેન્જ કરાવવા માટે ચાર મહિનાનો સમય પૂરતો છે. સર્ક્યુલેશનમાં રહેલી મોટા ભાગની ૨૦૦૦ રૂપિયાની નોટ ૩૦ સપ્ટેમ્બર સુધી રિટર્ન થઈ જશે. આરબીઆઇની આ રૂટીન એક્સરસાઇઝ છે અને લોકોએ ડરવાની જરૂર નથી.’
૨૦૦૦ની નોટ પાછી ખેંચવાની જાહેરાત છતાં ડોન્ટ વરી...
૧. આ નોટ ગેરકાયદે નથી
૨. બદલવા માટે સરખો ટાઇમ છે.
૩. બદલવા માટે નિયંત્રણો
૪. બૅન્ક અકાઉન્ટમાં આ નોટ જમા કરવા પર નિયંત્રણ નહીં
જયરામ રમેશ, કૉન્ગ્રેસના નેતા
આપણા સ્વયંભૂ વિશ્વગુરુની ટિપિકલ સ્ટાઇલ. પહેલાં કામ કરવાનું અને એ પછી વિચારવાનું. ૨૦૧૬ની આઠમી નવેમ્બરના એ વિનાશકારી તઘલકી ફરમાન બાદ ૨૦૦૦ રૂપિયાની બૅન્કનોટને જે ધામધૂમથી રજૂ કરવામાં આવી હતી એને હવે પાછી ખેંચી લેવામાં આવી રહી છે.