RBI ગવર્નર શક્તિકાંત દાસ હૉસ્પિટલમાં દાખલ, પણ ચિંતાનું નથી કોઈ કારણ

26 November, 2024 11:33 AM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

RBI Governor Hospitalised: આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસને એસિડિટીની તકલીફ થતા ચેન્નાઈની હૉસ્પિટલમાં દાખલ કરાયા, થોડાક કલાકોમાં આપશે ડિસ્ચાર્જ

શક્તિકાંત દાસની ફાઇલ તસવીર

ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India - RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das) સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. RBI ગવર્નર શક્તિકાંત દાસને મંગળવારે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે ચેન્નાઈ (Chennai)ની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં (RBI Governor Hospitalised) આવ્યા છે. મળતી માહિતી મુજબ, દાસને મામૂલી સ્વાસ્થ્ય સમસ્યા જેમ કે, એસિડિટીની ફરિયાદ હતી. RBIએ કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી. તેમને જલ્દી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das)ને ચેન્નાઈની કોર્પોરેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત હાલ સ્થિર છે. એપોલો હૉસ્પિટલ (Apollo Hospital)ના ડૉક્ટરો તેમની દેખરેખ રાખી રહ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું કે, મોડી રાત્રે છાતીમાં બળતરા અને દુખાવાને કારણે તેમને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા અને તપાસ અને સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ તેમની હાલત સ્થિર છે. હૉસ્પિટલ પ્રશાસને કહ્યું કે, તેમના સ્વાસ્થ્ય અંગેનો વિગતવાર અહેવાલ પછીથી જાહેર કરવામાં આવશે.

ગવર્નર શક્તિકાંત દાસના સ્વાસ્થ્યને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં આરબીઆઈએ કહ્યું છે કે, દાસને એસિડિટીની ફરિયાદ કરી હતી, જેના પછી તેમને તમિલનાડુ (Tamil Nadu)ની રાજધાની ચેન્નાઈની એપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેંકે કહ્યું છે કે, ચિંતા કરવાની કોઈ વાત નથી અને તેમને થોડા કલાકોમાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસની નાદુરસ્ત તબિયતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કેન્દ્ર સરકાર તેમના કાર્યકાળના બીજા વિસ્તરણ પર વિચાર કરી રહી છે. આ વિસ્તરણ શક્તિકાંત દાસને ૧૯૬૦ના દાયકા પછી સૌથી લાંબા સમય સુધી આરબીઆઈના ગવર્નર બનાવશે. શક્તિકાંત દાસને ડિસેમ્બર ૨૦૧૮માં RBI ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા છે.

RBI ગવર્નર તરીકે શક્તિકાંત દાસના કાર્યકાળમાં ફુગાવાના દબાણ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ સહિત વિવિધ આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો છે. શક્તિકાંત દાસે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘ભારત સંરક્ષણવાદ, વેપાર યુદ્ધ અને ભૌગોલિક રાજકીય તણાવ સહિતના બાહ્ય આંચકાઓનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે.’

શક્તિકાંત દાસ આરબીઆઈના 25મા ગવર્નર તરીકે સેવા આપે છે. તેઓ અગાઉ પંદરમા નાણાં પંચના સભ્ય હતા અને G20માં ભારતના શેરપા હતા. શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના ૧૯૮૦ બેચના નિવૃત્ત ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. IAS અધિકારી તરીકેની તેમની કારકિર્દી દરમિયાન, દાસે ભારત અને તમિલનાડુની સરકારો માટે આર્થિક બાબતોના સચિવ, મહેસૂલ સચિવ, ખાતર સચિવ સહિત વિવિધ હોદ્દા પર સેવા આપી હતી. તેમણે વિશ્વ બેંક, ADB, NDB અને AIIBમાં ભારતના વૈકલ્પિક ગવર્નર તરીકે પણ સેવા આપી છે.

rbi governor reserve bank of india chennai india national news news