શિમલામાં ગેરકાયદે મસ્જિદના મામલે કૉન્ગ્રેસ વિરુદ્ધ કૉન્ગ્રેસ

07 September, 2024 07:13 AM IST  |  Himachal Pradesh | Gujarati Mid-day Correspondent

મસ્જિદને તોડી પાડશો તો પછી કૉન્ગ્રેસ અને BJPમાં શું ફરક રહેશે? : રાશિદ અલ્વી

પ્રતીકાત્મક તસવીર

હિમાચલ પ્રદેશના શિમલામાં ગેરકાયદે સંજોલી મસ્જિદ વિશે હવે કૉન્ગ્રેસનાં બે જૂથોમાં આપસી લડાઈ ફાટી નીકળી છે. કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ કહ્યું છે કે જો મસ્જિદ તોડી પાડવામાં આવશે તો કૉન્ગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે શું ફરક રહેશે?

સંજોલી મસ્જિદ વિશે કૉન્ગ્રેસના નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું કે ‘જો રાજ્યમાં કૉન્ગ્રેસની સત્તા હોવા છતાં શિમલામાં કોઈ મસ્જિદ તોડી પાડવામાં આવે તો પછી કૉન્ગ્રેસ અને BJPમાં શું ફરક રહેશે? આ જગ્યા વક્ફની છે. એ જૂની મસ્જિદ છે અને એને તોડી પાડવાનો સવાલ પેદા થતો નથી. હવે એ રાજ્યના મુખ્ય પ્રધાનની જવાબદારી છે કે જે લોકો આ મુદ્દે ધાંધલધમાલ મચાવે છે એવાં તત્ત્વો સામે પગલાં લેવાનો સમય છે.’

કૉન્ગ્રેસ વિરુદ્ધ કૉન્ગ્રેસની આ લડાઈની શરૂઆત હિમાચલ પ્રદેશ વિધાનસભામાં શરૂ થઈ હતી જ્યારે ગ્રામીણ વિકાસ પ્રધાન અનિરુદ્ધ સિંહે આ ગેરકાયદે મસ્જિદનો મુદ્દો ઉપાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘શિમલામાં ઊભી કરાયેલી આ ગેરકાયદે સંજોલી મસ્જિદ વિશે તપાસ કરવાની જરૂર છે, કારણ કે એને લીધે આ વિસ્તારમાં તંગદિલી ઊભી થઈ છે. આ ગેરકાયદે મસ્જિદ છે અને કોઈ પણ જાતની પરવાનગી વિના એનું બાંધકામ થયું છે, પહેલાં એક માળ બાંધવામાં આવ્યો હતો અને પછી એના પર બીજા માળ ચણી દેવામાં આવ્યા હતા.’ આ ગેરકાયદે મસ્જિદ વિશે કોર્ટમાં ૪૪ સુનાવણી થઈ છે, પણ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

શું કહ્યું મુખ્ય પ્રધાને?
સંજોલી મસ્જિદ વિશે બોલતાં મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખ્ખુએ જણાવ્યું હતું કે ‘અમે આ બાંધકામ વિશે નોંધ લીધી છે અને રાજ્યમાં સદ્ભાવના ધરાવતું વાતાવરણ બની રહે એ માટે રાજ્ય સરકાર તમામ સંભવિત પગલાં લેશે. રાજ્યમાં કોઈ કોમને પરેશાન કરવામાં નહીં આવે. મેં તમામ મિનિસ્ટરોને પણ જણાવી દીધું છે કે આ પરિસ્થિતિનો રાજકીય લાભ લેવામાં ન આવે.’

himachal pradesh shimla bharatiya janata party congress india