Ramoji Rao No More: જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રામોજી રાવની વિદાય, નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક

08 June, 2024 08:40 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Online Correspondent

Ramoji Rao No More: હાઈ બ્લડ પ્રેશરથી પીડાત તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને છેલ્લા કેટલાક સમયથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.

રામોજી રાવ (તસવીર: એક્સ)

રામોજી ગ્રુપના સ્થાપક રામોજી રાવ કે જેઓને આઇકોનિક મીડિયા બેરોન અને ફિલ્મ મોગલ તરીકે ઓળખવામાં આવતા હતા, તેમનું દુઃખદ અવસાન (Ramoji Rao No More) થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર 5મી જૂને તેમની તબિયત લથડી હતી ત્યારબાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેની સતત સારવાર ચાલી રહી હતી. હવે આજે શનિવારે સવારે 4.50 કલાકે તેઓએ આ દુનિયામાંથી વિદાય લીધી છે.

તેઓએ 87 વર્ષની વયે અંતિમ શ્વાસ (Ramoji Rao No More) લીધા છે. હાઈ બ્લડ પ્રેશરથી પીડાત રામોજીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને છેલ્લા કેટલાક સમયથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.

રામોજી રાવનું સંપૂર્ણ નામ ચેરુકુરી રામોજી રાવ હતું. તેઓનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં સ્થિત પેદ્દાપારુપુડીમાં થયો હતો. તમને જણાવી દઈએ કે તેઑએ દેશમાં બિઝનેસ, મીડિયા અને ફિલ્મ પ્રોડક્શનના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 

શું છે રામોજી ફિલ્મ સિટી?

તેમનું નામ આવે એટલે સાથે તરત જ રામોજી ગ્રૂપ યાદ આવે. રામોજી રાવે 1996માં આ ફિલ્મ સિટીની સ્થાપના કરી હતી. ફિલ્મ પ્રોડક્શન સાથે જોડાયેલી મુશ્કેલીઓને જોતાં તેઓએ આવી એક ફિલ્મ સિટી તૈયાર કરવાનો વિચાર કર્યો હતો. અને પોતાના આ વિચારને તેઓએ જીવંત પણ કર્યો. અહીં અનેક ફિલ્મ મેકર્સ અહીં સ્ક્રિપ્ટ લઈને આવતા હતા અને તૈયાર ફિલ્મ લઈને જ પાછા જતાં હતા. અહેવાલો અનુસાર અહીં લગભગ દરવર્ષે 200 ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અહીં લગભગ 2000 ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. એવી આ રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવ હવે આપણી વચ્ચે નથી રહ્યા.

નરેન્દ્ર મોદીએ લખ્યું.. 

નરેન્દ્ર મોદી એક્સ પર તેઓએ લખ્યું કે, "શ્રી રામોજી રાવનું અવસાન (Ramoji Rao No More) અત્યંત દુઃખદ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી. તેમના સમૃદ્ધ યોગદાનએ પત્રકારત્વ અને ફિલ્મોની દુનિયા પર અમીટ છાપ છોડી છે. તેમના નોંધપાત્ર પ્રયાસો દ્વારા, તેમણે મીડિયા અને મનોરંજન જગતમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે નવા ધોરણો સ્થાપિત કર્યા. રામોજી રાવ ભારતના વિકાસ પ્રત્યે અત્યંત ઉત્સાહી હતા. હું ભાગ્યશાળી છું કે તેમની સાથે વાર્તાલાપ કરવાની અને તેમની શાણપણનો લાભ લેવાની ઘણી તકો મળી. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

જી કિશન રેડ્ડીએ વ્યક્ત કર્યો શોક 

તેમના નિધન (Ramoji Rao No More) બાદ ગાણા બીજેપીના વડા અને પાર્ટીના સાંસદ જી કિશન રેડ્ડીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેઓએ એક્સ પર લખ્યું હતું કે, "તેલુગુ મીડિયા અને પત્રકારત્વમાં તેમનું નોંધપાત્ર યોગદાન પ્રશંસનીય છે. તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના છે. ઓમ શાંતિ”

રામોજી ફિલ્મ સિટી ઉપરાંત રામોજી રાવે માર્ગદર્શી ચિટ ફંડ, ડોલ્ફિન ગ્રુપ ઓફ હોટેલ્સ, કલાંજલિ શોપિંગ મોલ, પ્રિયા અથાણાં અને મયુરી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ વગેરેમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ જ કારણોસર તેઓને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.

 

national news telangana hyderabad narendra modi celebrity death bollywood news