09 November, 2024 10:00 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
રામ મંદિર
અયોધ્યામાં બાંધવામાં આવેલા રામ મંદિરના પહેલા માળ પર છતમાં કેટલાક કમજોર પથ્થરો લગાવી દેવામાં આવ્યા હોવાથી એને હટાવીને નવા પથ્થરો લગાવવામાં આવશે. કેટલાક પથ્થરોને હટાવીને એના સ્થાને મકરાણાના પથ્થરો લગાવવામાં આવશે.
આ વિશે જાણકારી આપતાં શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના ચૅરમૅન નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું હતું કે ‘નિર્માણાધીન મંદિરના પહેલા માળ પર છતમાં કેટલાક પથ્થરો બદલવામાં આવશે. લગાવવામાં આવેલા પથ્થરોની પહોળાઈ નક્કી કરવામાં આવેલા માપદંડથી ઓછી છે અને એની ગુણવત્તા પણ બરાબર નથી.’
મંદિરના ઉદ્ઘાટન બાદ બીજા તબક્કાનું કામ ચાલુ છે અને એ પહેલાં નિર્માણકાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં આ બાબત બહાર આવી હતી. રામ મંદિર નિર્માણ સમિતિ દર મહિને નિર્માણકાર્ય સંબંધિત એક બેઠક કરે છે. આ પથ્થરોને હટાવીને એના સ્થાને નવા મકરાણાના પથ્થરો લગાવવામાં આવશે. આ કામગીરી જલદી શરૂ કરવામાં આવશે.
સપ્તમંદિરની વચ્ચે સરોવર
મંદિરના પરિસરમાં બની રહેલા સપ્તમંદિરની વચ્ચે એક સરોવર પણ બાંધવામાં આવશે. રામ મંદિરમાં દર્શન કરવા આવનારા ભાવિકો સરોવરમાં આચમન કરીને સપ્તમંદિરમાં દર્શન કરવા જઈ શકશે. સપ્તમંદિરમાં રામ મંદિર પહેલાં મહર્ષિ વાલ્મીકિનું મંદિર બાંધવામાં આવશે. મંદિરમાં પ્રવેશ કરતાંની સાથે જ શ્રદ્ધાળુઓ મહર્ષિ વાલ્મીકિનાં દર્શન કરી શકશે. એની બરાબર સામે સાતમું મંદિર અગસ્ત્ય મુનિનું રહેશે.