01 April, 2025 06:54 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં શ્રીરામચરિતમાનસના અખંડ પાઠ કરાવવાનો આદેશ આપ્યો છે. આ પાઠનો આરંભ પાંચમી એપ્રિલે અષ્ટમીના બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે અને એનું સમાપન ૬ એપ્રિલે બપોરે ૧૨ વાગ્યે અયોધ્યામાં આવેલા શ્રી રામજન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલાના સૂર્યતિલક સાથે થશે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે નવરાત્રિ અને રામનવમી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને કહ્યું હતું કે બલરામપુરના દેવી પાટન મંદિર, સહારનપુરના શાકુંભરીદેવી મંદિર અને મિર્ઝાપુરના વિંધ્યવાસિનીદેવી ધામ મંદિર સહિત રાજ્યનાં પ્રમુખ દેવી મંદિરો અને શક્તિપીઠોમાં મોટી સંખ્યામાં ભાવિકોનું આગમન થશે એટલે તેમની સુરક્ષાવ્યવસ્થા સઘન બનાવવામાં આવે. રામ મંદિરમાં સૂર્યતિલકનાં દર્શન કરવા માટે આખા દેશમાંથી ભાવિકો આવશે તેથી ભાવિકોને અસુવિધા ન થાય એ માટે પણ વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે.
નવરાત્રિ દરમ્યાન મંદિરોની આસપાસ ૫૦૦ મીટરના પરિસરમાં ઈંડાં, માંસ વગેરેની દુકાનો ખુલ્લી ન હોવી જોઈએ એનું પણ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે. રામનવમીના દિવસે આવી દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાને આદેશ આપ્યો છે કે ચૈત્રી નવરાત્રિના દિવસોમાં આખા રાજ્યમાં સમાનરૂપથી ૨૪ કલાક વીજપુરવઠો પૂરો પાડવામાં આવે.