Raksha Bandhan 2023 : PM નરેન્દ્ર મોદીએ કરી ઉજવણી, સ્કૂલની વિદ્યાર્થિનીઓ પાસે બંધાવી રાખડી

30 August, 2023 02:26 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Raksha Bandhan 2023 : PM નરેન્દ્ર મોદીએ આજે શાળાની વિદ્યાર્થિનીઓ સાથે આ પર્વની ઉજવણી કરી હતી. દિલ્હીની સ્કૂલ વિદ્યાર્થિનીઓએ નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી.

PM નરેન્દ્ર મોદીને વિદ્યાર્થિનીઓએ બાંધી રાખડી

આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ઠેર-ઠેર ભાઈ-બહેનો આ પર્વને લઈને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ભારતના PM નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ રક્ષાબંધન (Raksha Bandhan 2023)ના પર્વને લઈને ઉત્સાહિત છે. તેઓએ પણ આજે શાળાની વિદ્યાર્થિનીઓ સાથે દિલ્હીમાં રક્ષાબંધન ઉજવી હતી.

નરેન્દ્ર મોદીએ નાની બાળકીઓ સાથે આ તહેવારની ઉજવણી કરી હતી. વિવિધ શાળાઓમાંથી આવતી વિદ્યાર્થિનીઓએ પીએમ નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી. દિલ્હીમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓએ પીએમ નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી. આ સાથે જ જમ્મુ-કાશ્મીરથી લઈને છત્તીસગઢ સુધી સ્કૂલની કેટલીક વિદ્યાર્થિનીઓએ આર્મી, બીએસએફ અને સીઆરપીએફના જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધન (Raksha Bandhan 2023)ની ઉજવણી કરી હતી. દેશની રક્ષા કરી રહેલા સરહદ પરના જવાનોએ બહેનોને મીઠાઈ ખવડાવી હતી. 

પીએમ નરેન્દ્ર મોદી બાળકોને મળ્યા બાદ ખૂબ જ ખૂશ જણાઈ રહ્યા હતા. સાથે જ બાળકો પણ વડાપ્રધાનને પોતાની વચ્ચે જોઈને ખૂબ જ ખૂશ દેખાતા હતા. આ સરસ ક્ષણોની સાક્ષી પૂરતો વીડિયો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો શૅર કરીને તેઓએ તમામ  દેશવાસીઓને રક્ષાબંધન (Raksha Bandhan 2023)ના તહેવારની શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ શૅર કરતાં લખ્યું હતું કે,  ‘મારા તમામ પરિવારજનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બહેન અને ભાઈ વચ્ચેના અતૂટ વિશ્વાસ અને અપાર પ્રેમને સમર્પિત રક્ષાબંધન (Raksha Bandhan 2023)નો આ શુભ તહેવાર આપણી સંસ્કૃતિનું પવિત્ર પ્રતિબિંબ છે. હું ઈચ્છું છું કે, આ તહેવાર દરેકના જીવનમાં સ્નેહ, સદ્દભાવ અને સુહ્રદ ભાવનાને ઊંડી  બનાવે.’

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu)એ પણ દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘રક્ષાબંધનના શુભ તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ! આ તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે અને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર ચાલો આપણે દેશમાં મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને સમાન વાતાવરણ બનાવવાની પ્રતિજ્ઞા લઈએ.’

આજે બુધવારે સમગ્ર દેશમાં રક્ષાબંધન (Raksha Bandhan 2023)નો પાવન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજના આ પવિત્ર દિવસ પર બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને પોતાના ભાઈને સુખ, સમૃધ્ધિ તેમ જ સુખાકારી મળે તેવી કામના કરે છે. આ સાથે જ ભાઈઓ પોતાની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર બે દિવસ એટલે કે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવશે. ભદ્રાની છાયા હોવાને કારણે 30 ઓગસ્ટના રોજ પૂર્ણિમા તિથિ હોવા છતાં રક્ષાબંધન ન મનાવવાની સલાહ આપવામાં આવી છે. ભદ્રાને કારણે 30 ઓગસ્ટના રોજ રાત્રે 9:02 વાગ્યા પછી અથવા 31 ઓગસ્ટના રોજ સવારે 7:30 વાગ્યા પહેલા રાખડી બાંધી શકાય છે.

narendra modi raksha bandhan delhi droupadi murmu national news india