ભારતીય સેનાએ મક્કમતાથી ચીનના સૈનિકોનો સામનો કર્યો

14 December, 2022 10:14 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ચીન દ્વારા કરવામાં આવેલા ઘૂસણખોરીના પ્રયાસની સંસદને માહિતી આપતાં આમ જણાવ્યું અને સાથે જવાનોના સાહસને બિરદાવ્યું

નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદના શિયાળુ સત્ર દરમ્યાન લોકસભાને સંબોધતા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં નવમી ડિસેમ્બરે ઘૂસણખોરી કરવાના ચીનની આર્મીના પ્રયાસ વિશે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે સંસદને જણાવ્યું હતું અને સાથે જ ભારતીય આર્મીની બહાદુરીની પ્રશંસા કરી હતી. તેમણે લોકસભા અને રાજ્યસભા બન્નેમાં એકસરખાં સ્ટેટમેન્ટ્સ આપ્યાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે ‘૨૦૨૨ની ૯ ડિસેમ્બરે ચાઇનીઝ સેનાએ તવાંગ સેક્ટરના યાંગત્સે એરિયામાં વાસ્તવિક અંકુશરેખા પર અતિક્રમણ કરીને યથાસ્થિતિને એકતરફી બદલવાનો પ્રયાસ કર્યો હતો. ચીનના આ પ્રયાસનો અમારી સેનાએ મક્કમતાથી સામનો કર્યો. ભારત અને ચીનના જવાનોની વચ્ચે મારામારી પણ થઈ હતી. ભારતીય આર્મીએ બહાદુરીથી ચીનની આર્મીના જવાનોને આપણા પ્રદેશમાં અતિક્રમણ કરવાથી રોક્યા હતા અને તેમને તેમની પોસ્ટ્સ પર પાછા મોકલી દીધા હતા. બન્ને દેશોના કેટલાક સૈનિકોને ઈજા થઈ છે.’

તેમણે વધુ કહ્યું હતું કે ‘આપણા કોઈ પણ સૈનિકનું ન તો મૃત્યુ થયું છે કે ન તો કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઇન્ડિયન મિલિટરી કમાન્ડર્સના સમયસર હસ્તક્ષેપને કારણે પીએલએ સૈનિકો પોતાનાં લોકેશન્સ પર પાછા જતા રહ્યા હતા અને આ ઘટના પછી એરિયાના લોકલ કમાન્ડરે અગિયાર ડિસેમ્બરે પોતાના ચાઇનીઝ સમકક્ષ અધિકારીની સાથે સ્થાપિત વ્યવસ્થા હેઠળ એક મીટિંગ પણ કરી હતી અને આ ઘટના વિશે ચર્ચા કરી હતી. ચીનને આ પ્રકારના કૃત્ય ફરી ના કરવા જણાવાયું અને સરહદે શાંતિ જાળવવા માટે તેમને કહેવામાં આવ્યું હતું. આ મુદ્દાને ચીન સમક્ષ રાજદ્વારીના સ્તરે પણ ઉઠાવવામાં આવ્યો છે. હું આ ગૃહને ખાતરી આપવા ઇચ્છું છું કે આપણી સેનાઓ આપણી ભૌમિક અખંડિતતાને સુર​િક્ષત રાખવા માટે સંપૂર્ણપણે કમિટેડ છે અને દેશની અખંડિતતાને જોખમમાં મૂકતા કોઈ પણ પ્રયાસને રોકવા માટે તત્પર છે. મને વિશ્વાસ છે કે આ ગૃહ સેનાઓની વીરતા અને સાહસને એક સ્વરથી સમર્થન આપશે. મને ખાતરી છે કે આ સંસદ કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વિના ભારતીય સેનાની ક્ષમતા, શૌર્ય, પરાક્રમ અને કમિટમેન્ટનું પણ અભિનંદન કરશે.’

national news rajnath singh