10 February, 2023 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
રાજસ્થાનનું બજેટ (Rajasthan Vidhan Sabha Session) રજૂ કરી રહેલા મુખ્યપ્રધાન અશોક ગેહલોત (CM Ashok Gehlot)ને શુક્રવારે ખૂબ જ અસ્વસ્થ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં, તેમણે બજેટ ભાષણ દરમિયાન ગયા વર્ષનું બજેટ વાંચ્યું હતું. અગાઉના બજેટમાં ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના અમલમાં મુકાઈ હોવા છતાં આ બજેટ ભાષણમાં ફરીવાર વાંચવામાં આવ્યું હતું. સભ્યોને આ વાતની જાણ થતાં મુખ્યપ્રધાનને તેની જાણ કરવામાં આવી હતી. આ પછી મુખ્યપ્રધાન ગેહલોતે બજેટ ભાષણ અટકાવી દીધું હતું.
બીજી તરફ મુખ્યપ્રધાનની આ ભૂલને બેદરકારીનો મુદ્દો બનાવીને વિપક્ષે ગૃહમાં ભારે હોબાળો શરૂ કર્યો હતો. જ્યારે મુખ્યપ્રધાનને પોતાની ભૂલ સમજાઈ ત્યારે તેમણે આખા ગૃહમાં પોતાની ભૂલ કબૂલ કરી અને માફી પણ માગી. જોકે આ પછી પણ વિપક્ષ શાંત થયો નહીં. વિપક્ષના હંગામાને જોઈને સ્પીકરે સૌને શાંતિ જાળવવા અપીલ કરી હતી. ગૃહના અધ્યક્ષ ડૉ. સી.પી. જોષી (CP Joshi)એ કહ્યું કે તેઓ ગૃહ છોડીને જતાં રહેશે તેમ છતાં હોબાળો શાંત થયો નહીં. આ પછી પણ વિપક્ષની વાત ન સાંભળવા પર સ્પીકરે ગુસ્સામાં ગૃહને અડધો કલાક માટે સ્થગિત કરી દીધું અને બહાર નીકળી ગયા હતા.
બજેટ દરમિયાન પ્રથમ વખત ગૃહ સ્થગિત કરવામાં આવ્યું
રાજસ્થાનમાં બજેટ દરમિયાન ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની આ પ્રથમ ઘટના છે. વાસ્તવમાં અશોક ગેહલોતની ભૂલ બાદ વિપક્ષે ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. સ્પીકરના વારંવારના અનુરોધ બાદ પણ વિપક્ષના નેતા સંમત ન થતા સ્પીકરે ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે સ્થગિત કરી દીધી હતી.
આ પણ વાંચો: ISROનું નવું રોકેટ SSLV-D2 સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચ, જાણો તેની ખાસિયત
વિપક્ષના નેતાએ બજેટ લીક કરવાનો આરોપ લગાવ્યો
આ સમગ્ર ઘટનાક્રમ પર રાજસ્થાનના વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું છે કે “આ બજેટ રજૂ કરી શકાય તેમ નથી, કારણ કે આ બજેટ તેની રજૂઆત પહેલાં જ લીક થઈ ગયું છે.”