11 May, 2023 12:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકારે માહિતી આપી હતી કે સાત રાજ્યોએ સેમ-સેક્સ એટલે કે સજાતીય લગ્નો વિશે પોતાનાં મંતવ્યો આપ્યાં છે. કૉન્ગ્રેસના નેતૃત્વવાળી રાજસ્થાનની સરકારે આવાં લગ્નો સામે વિરોધ વ્યક્ત કર્યો છે તો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મણિપુર, આસામ અને સિક્કિમ જેવાં રાજ્યોએ આ મામલે તપાસ કરવા વધુ સમય માગ્યો છે. સજાતીય લગ્નોને કાયદાકીય માન્યતાની માગણી કરતી અરજીઓની અત્યારે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.
૧૯ એપ્રિલે કેન્દ્રે કોર્ટને જાણ કરી હતી કે રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે સજાતીય લગ્નોના કેસની સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિવિધ ધર્મોના વ્યક્તિગત કાયદાના ક્ષેત્રમાં પ્રવેશ નહીં કરે, પરંતુ સ્પેશ્યલ મૅરેજ ઍક્ટના દાયરામાં એનો સમાવેશ થાય કે કેમ એની તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
સુનાવણીમાંથી નહીં હટે ચીફ જસ્ટિસ
સુપ્રીમ કોર્ટે એક અરજીને ફગાવી દીધી હતી જેમાં ભારતના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચ઼ુડને સજાયતીય લગ્નોને માન્યતા આપવાની અરજીની સુનાવણીમાંથી હટાવવાની માગણી કરાઈ હતી. અરજીકર્તાએ એવું કારણ આપ્યું હતું કે ડી. વાય. ચંદ્રચુડે આ મામલે નિવેદન આપ્યું હોવાથી તેમને હટાવવામાં આવે.
સિંગલ પેરન્ટ પણ સંતાન દત્તક લઈ શકે
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભારતીય કાયદો વૈવાહિક સ્થિતિની પરવા કર્યા વગર સિંગલ વ્યક્તિને પણ બાળક દત્તક લેવાની પરવાનગી આપે છે. કહેવાતા આદર્શ પરિવારમાં પણ ઘણી વાર સમસ્યાઓ હોઈ શકે છે. લિંગને લઈને માન્યતાઓમાં પરિવર્તન આવી શકે છે, પરંતુ માતા અને માતૃત્વ પણ નહીં. સૌથી મહત્ત્વની વાત બાળકના કલ્યાણની છે. બાળકને દત્તક લેવું એ મૂળભૂત અધિકાર નથી.