03 September, 2023 08:55 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
પ્રતાપગઢ જિલ્લામાં ગઈ કાલે પીડિતા સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી રહેલા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટ (તસવીર : પી.ટી.આઇ.)
રાજસ્થાનના પ્રતાપગઢમાં ૨૧ વર્ષની એક પ્રેગ્નન્ટ આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરીને ફેરવવાની શરમજનક ઘટના બની છે. પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે આ મામલે મુખ્ય આરોપી સહિત ૧૦ જણની ધરપકડ કરવામાં આવી છે. ધરિયાવાદ પોલીસ સ્ટેશન એરિયાના પહાડા ગ્રામ પંચાયતના નીચલાકોટામાં મહિલાને નગ્ન અવસ્થામાં પરેડ કરાવવાના મામલે રાજ્ય સરકારની ટીકા કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મુખ્ય આરોપી પીડિતાનો પતિ છે.
આ મહિલાનાં મૅરેજના છ મહિના પછી જ તે બાજુના ગામ ઉપલાકોટાના યુવક સાથે ભાગી ગઈ હતી. આ મહિલા એક વર્ષ પછી ૩૦ ઑગસ્ટે જ્યારે તે યુવકની સાથે પાછી ફરી ત્યારે તેના પતિના પરિવારવાળા તેને બળપૂર્વક પોતાના ગામ પહાડા લઈ ગયા હતા, જેના પછી પતિએ ગામના લોકોની સામે જ તેનાં કપડાં ફાડ્યાં અને નિર્વસ્ત્ર કરીને ફેરવી હતી, જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તે ચીસો પાડીને તેને છોડી દેવા માટે કરગરી રહી છે. એ દરમ્યાન એ અનેક લોકો ત્યાં હાજર હોય છે, પરંતુ તેને બચાવવા કોઈ આગળ આવતું નથી.
ધરિયાવાદના ડીએસપી ધનફુલ મીણા કહે છે કે ‘અત્યાર સુધીની તપાસમાં નાતા પ્રથા વિશે જાણકારી મળી છે. આ મહિલાના મૅરેજ રાજા નામના પુરુષ સાથે થયાં હતાં. એ પછી નાતા પ્રથામાં આ મહિલા કાન્હા સાથે જતી રહી. જેના પછી આ મહિલા કાન્હાને છોડીને શિવા નામના પુરુષની પાસે જતી રહી. જેનો કાન્હાએ બદલો લીધો.’ નાતા પ્રથા કેટલાક આદિવાસીઓમાં છે. જેમાં મૅરિડ મહિલા પોતાના પતિને છોડીને કોઈ અન્ય પુરુષની સાથે રહી શકે છે.
પીડિતાને સહાય કરવામાં આવી
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે આ પીડિત મહિલા માટે ૧૦ લાખ રૂપિયાની નાણાકીય સહાય અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. તેઓ ગઈ કાલે આ પીડિતા અને તેના પરિવારને મળ્યા હતા. થોડા સમય પહેલાં મણિપુરમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવવાના મામલે કૉન્ગ્રેસ સહિતના વિપક્ષોએ બીજેપી સરકારની આકરી ટીકા કરી હતી. હવે કૉન્ગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાનમાં થયેલી આ ઘટનાના વિરોધમાં બીજેપી આક્રમક થઈ ગઈ છે.