03 April, 2023 12:27 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી ફાઇલ તસવીર
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી રિસન્ટ્લી ૨૦૧૯ના બદનક્ષીના કેસમાં તેમને થયેલી બે વર્ષ કેદની સજાને આજે સુરતની સેશન્સ કોર્ટમાં પડકારશે. આ સજાને કારણે તેમનું સંસદસભ્યપદ રદ કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર રાહુલે પોતાની અરજીમાં બદનક્ષીના કેસમાં તેમને દોષી ગણાવતાં મૅજિસ્ટ્રેટના આદેશને પડતો મૂકવા તેમ જ જ્યાં સુધી આ મામલાનો નિકાલ ન થાય ત્યાં સુધી એ ચુકાદા પર વચગાળાનો સ્ટે મૂકવાની વિનંતી કરી છે. રાહુલના ઍડ્વોકેટ કિરીટ પાનવાલાએ જણાવ્યું હતું કે રાહુલ આજે દિલ્હીથી સુરતમાં આવશે અને બપોરે અદાલતમાં આવશે. રાહુલને જામીન આપવામાં આવ્યા હતા અને તેઓ ઉપલી અદાલતમાં અપીલ કરી શકે એ માટે તેમની સજાને ૩૦ દિવસ સુધી સ્થગિત કરવામાં આવી હતી. જોકે લોકસભાના સચિવાલય તરફથી ઝડપી ઍક્શન લઈને તેમનું સંસસદસભ્ય પદ રદ કરાયું હતું.