22 April, 2023 08:54 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
લોકસભાની સદસ્યતા રદ થયા બાદ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શનિવારે (22 એપ્રિલ) સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું હતું. માનહાનિના કેસમાં દોષી જાહેર થયા બાદ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ તેમનો તમામ સામાન તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ખાલી કરી લીધો હતો. પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ દિલ્હીમાં 12, તુગલક લેન ખાતેના બંગલામાં રહેતા હતા.
તેમણે તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય નેતાઓની હાજરીમાં લોકસભા સચિવાલયને બંગલો સોંપ્યો હતો. સરકારી આવાસ ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, “આ ઘર મને દેશની જનતાએ 19 વર્ષ માટે આપ્યું છે. હું તેમનો આભાર માનવા માગુ છું. હું તેને ખાલી કરું છું. આજકાલ સત્ય બોલવાની એક કિંમત છે, હું એ કિંમત ચૂકવતો રહીશ. કોઈએ તો સાચું બોલવું જોઈએ, હું બોલી રહ્યો છું.”
કૉંગ્રેસે ટ્વિટર પર અભિયાન શરૂ કર્યું
દરમિયાન, કૉંગ્રેસના નેતાઓએ તેમના ભૂતપૂર્વ પક્ષ પ્રમુખને સોશિયલ મીડિયા પર "મેરા ઘર આપકા ઘર" ઝુંબેશ સાથે સમર્થન આપ્યું હતું. કૉંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "આ દેશ રાહુલ ગાંધીનું ઘર છે. લોકોના દિલમાં રહેનાર રાહુલ, જનતા સાથે જેનો સંબંધ અતૂટ છે. કોઈને તેમનામાં પુત્ર દેખાય છે, કોઈને ભાઈ તો કોઈને તેમના નેતા દેખાય છે.”
આ પણ વાંચો: મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, ભોજપુરી અભિનેત્રીની ધરપકડ
કૉંગ્રેસના નેતાઓએ વખાણ કર્યા હતા
રાહુલ ગાંધીના વખાણ કરતા સાંસદ શશિ થરૂરે ટ્વીટ કર્યું કે, "આજે રાહુલ ગાંધીએ લોકસભા સચિવાલયના આદેશના જવાબમાં તુઘલક લેનમાં તેમનું ઘર ખાલી કર્યું હતું. કોર્ટે તેમને અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો અને HC અથવા SC હજુ પણ તેમને પુનઃસ્થાપિત કરી શક્યા હોત, પરંતુ તેમણે ઘર ખાલી કરવાનો નિર્ણય લીધો હતો. સરકારી આવાસ નિયમો માટે તેમનો આદર દર્શાવે છે.”