29 June, 2023 01:46 PM IST | imphal | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે મણિપુરની રાજધાની ઈમ્ફાલ પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ તેમના કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલગાંધીના કાફલાને ઈમ્ફાલથી થોડે દૂર આવેલા બિષ્ણુપુર જિલ્લામાં રોકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં અશાંતિના કારણે પોલીસે આ પગલું ભર્યું છે.
રાહુલ ગાંધી આજે અને આવતીકાલે એટલે કે 29-30 જૂને મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રાહત શિબિરોની મુલાકાત લેવાના છે. તેઓ ઇમ્ફાલ અને ચુરાચંદપુરમાં નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવાના છે.
તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રીએ મણિપુરની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. રાહુલ ગાંધીનો મણિપુર જવાનો નિર્ણય ત્યારે સામે આવ્યો હતો. 3મે પછી જાતિય હિંસાના મુદ્દાથી ઘેરાયેલા પૂર્વોત્તર રાજ્યમાં કોંગ્રેસના નેતાની આ પ્રથમ મુલાકાત છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રાજ્યની આ વર્તમાન સ્થિતિ માટે ભાજપ અને તેની ‘વિભાજનકારી રાજનીતિ’ને જવાબદાર ઠેરવી છે. આ ઉપરાંત કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રીને તાત્કાલિક અસરથી હટાવવાની માગ કરી છે. શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ત્યાં મોકલવું જોઈએ એવી પણ માગ તેમણે કરી છે.
રાહુલ ગાંધીની આ મુલાકાત પર ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતનું બયાન પણ સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, “મણિપુર સળગી રહ્યું છે અને વડાપ્રધાન, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રી હવામાં વાત કરી રહ્યા છે. અમે વિચાર્યું હતું કે પીએમ અમેરિકા જતા પહેલા મણિપુર જશે અને ત્યાંના લોકો સાથે વાત કરશે અને ગૃહમંત્રીએ પણ બેઠક બોલાવી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. અમારી માગ એવી હતી કે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને મણિપુર લઈ જવામાં આવે અને અમે લોકો સમક્ષ સંવાદનો પ્રસ્તાવ રજૂ કરીએ, પરંતુ વડા પ્રધાન કે અન્ય કોઈપણ આ વિશે બોલતા નથી. મણિપુર હિંસામાં ચીનનો હાથ છે પરંતુ સરકાર ચીનનું નામ લેવા તૈયાર નથી. જો આ સ્થિતિમાં રાહુલ ગાંધી મણિપુર જાય અને ત્યાંના લોકો સાથે વાત કરે અને શાંતિનો પ્રસ્તાવ મૂકે તો અમે તેમની આ મુલાકાતને આવકારીએ છીએ.”
નાગાલેન્ડના AICC પ્રભારી અજય કુમારે રાહુલ ગાંધીની આ મુલાકાતને લઈને જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર મણિપુરને સમાચારોથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશનું ધ્યાન મણિપુર પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મણિપુરમાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા. 1000થી વધુ ઘરો બળી ગયા હતા. ઉપરાંત 700થી વધુ પૂજા સ્થાનો, ચર્ચ નાશ પામ્યા હતા. રાજ્યમાં કાયદા વ્યવસ્થા પડી ભાંગી છે. આ ડબલ એન્જિનની સરકાર ટ્રિપલ પ્રોબ્લેમવાળી સરકાર બની છે. રાહુલ ગાંધી પીડિતોને મળશે. વડાપ્રધાને રાહુલ ગાંધીની મુલાકાતથી શીખવું જોઈએ”