09 January, 2023 11:29 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હરિયાણાના કુરુક્ષેત્રમાં ગઈ કાલે ભારત જોડો યાત્રા દરમ્યાન સપોર્ટર્સ સાથે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી. તસવીર પી.ટી.આઇ.
નવી દિલ્હી : રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની બીજી ઑક્ટોબરથી શરૂઆત થઈ શકે છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રોકાઈ હતી ત્યારે એ દરમ્યાન પાર્ટીના સિનિયર નેતાઓએ એના રૂટનો રફ ડ્રાફ્ટ તૈયાર કરી દીધો હતો. અત્યાર સુધીની નક્કી યોજના અનુસાર આ યાત્રાનો રૂટ ગુજરાતના પોરબંદરથી શરૂ થઈને અરુણાચલ પ્રદેશના પરશુરામ કુંડ સુધીનો રહેશે. કૉન્ગ્રેસના સિનિયર નેતાઓના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણી પહેલાં આ બીજો તબક્કો પૂરો થઈ જશે.
સમગ્ર દેશમાં અત્યારે કૉન્ગ્રેસની ચાલી રહેલી ભારત જોડો યાત્રાની ચર્ચા થઈ રહી છે. કૉન્ગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓએ જણાવ્યું છે કે આ યાત્રાને મળી રહેલા ભારે સપોર્ટને કારણે એને એક્સ્ટેન્ડ કરવામાં આવી શકે છે.
હવે આ યાત્રાના બીજા તબક્કા માટે એક મીટિંગમાં ચર્ચા થઈ હતી. બીજા તબક્કાની યાત્રાના રફ રૂટ પ્લાન મુજબ પોરબંદરથી શરૂ થઈને આ યાત્રા મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ થઈને અરુણાચલ પ્રદેશમાં પૂરી થશે.
આ યાત્રા શરૂ કરવાની તારીખને લઈને પણ કેટલીક ચર્ચા થઈ છે. કૉન્ગ્રેસ પાર્ટીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર જો બધું સમુંસૂતરું પાર પડશે તો બીજી ઑક્ટોબરથી ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ થઈ જશે. કૉન્ગ્રેસ પાર્ટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે પોરબંદર અને અરુણાચલ પ્રદેશ વચ્ચે લગભગ ૪૦૦૦ કિલોમીટરનું અંતર છે. એવામાં એ અંતરને કાપતાં કેટલો સમય લાગશે અને લોકસભાની ચૂંટણીઓની તારીખોને ધ્યાનમાં રાખીને જ રૂટનો પ્લાન અને તારીખો ફાઇનલ કરવામાં આવી રહી છે.
ભારત જોડો યાત્રાનો પહેલો તબક્કો થોડા સમયમાં સમાપ્ત થઈ જશે. જોકે દેશના અનેક વિસ્તારનો આ યાત્રામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલા માટે શરૂઆતથી જ ભારત જોડો યાત્રા બે તબક્કામાં કરવા માટે વિચાર કરવામાં આવ્યો હતો.