કૉન્ગ્રેસના ‘બ્લૅક’ વિરોધ-પ્રદર્શનમાં તૃણમૂલની સરપ્રાઇઝ એન્ટ્રી

28 March, 2023 11:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ખડગેએ કહ્યું હતું કે લોકશાહીને પ્રોટેક્ટ કરવા માટે આગળ આવનારા દરેક જણને કૉન્ગ્રેસ આવકારે છે

નવી દિલ્હીમાં ગઈ કાલે અદાણી ગ્રુપના મુદ્દે તેમ જ સંસદસભ્ય તરીકે રાહુલ ગાંધીને ડિસક્વૉલિફાય કરવાના નિર્ણયના વિરોધમાં સંસદભવનથી વિજય ચોક તરફની વિરોધકૂચ દરમ્યાન કાળાં વસ્ત્રોમાં રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષોના સંસદસભ્યો.

કેન્દ્રમાં બીજેપીની સરકારની વિરુદ્ધ વધુ વિપક્ષો હવે મતભેદો ભુલાવીને સાથે આવી રહ્યા છે. તૃણમૂલ કૉન્ગ્રેસ ગઈ કાલે એ જ હેતુસર કૉન્ગ્રેસના નેતૃત્વવાળી વિપક્ષોની વ્યૂહરચના મીટિંગમાં પહેલી વાર જોડાઈ હતી અને સાથે જ સંસદસભ્ય તરીકે રાહુલ ગાંધીને ડિસક્વૉલિફાય કરવાના નિર્ણયના વિરોધમાં ‘બ્લૅક’ પ્રદર્શનમાં ભાગ પણ લીધો હતો. તૃણમૂલ કૉન્ગ્રેસના પ્રસૂન બૅનરજી અને જવાહર સરકારે કૉન્ગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેની ઑફિસમાં આ મીટિંગમાં ભાગ લીધો હતો. નોંધપાત્ર છે કે મમતા બૅનરજીએ રિસન્ટ્લી જ જાહેર કર્યું હતું કે તેમની પાર્ટી કૉન્ગ્રેસ અને બીજેપી બન્નેથી એકસરખું જ અંતર રાખશે. તૃણમૂલના આશ્ચર્યજનક નિર્ણય બાબતે ખડગેએ કહ્યું હતું કે ‘લોકશાહીને પ્રોટેક્ટ કરવા માટે આગળ આવનાર દરેક જણને કૉન્ગ્રેસ આવકારે છે.’

રાહુલને ઑફિશ્યલ બંગલો ખાલી કરવાની નોટિસ

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલો બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે, કેમ કે અપરાધિક બદનક્ષીના કેસમાં તેમને દોષી ગણાવવાના પગલે તેમને લોકસભામાંથી ડિસ્ક્વૉલિફાય કરવામાં આવ્યા છે. નિયમ અનુસાર ગેરલાયક ઠરાવવામાં આવેલા સંસદસભ્યો સરકારી નિવાસસ્થાનનો લાભ મેળવવાને લાયક નથી. લોકસભાની હાઉસિંગ કમિટીએ રાહુલને ૨૨ એપ્રિલ સુધીમાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા નોટિસ આપી છે. 

national news rahul gandhi congress trinamool congress tmc new delhi