01 January, 2024 08:27 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શ્રીરામ મંદિર
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને છેતરપિંડી સામે આવી છે. સોશ્યલ મીડિયા પર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નામે નકલી અકાઉન્ટ બનાવી લોકો પાસે દાનમાં રૂપિયા માગવામાં આવી રહ્યા છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ક્યૂઆર કોડ દેખાડીને રામમંદિરના ઉદ્ઘાટનમાં મહત્તમ સહકાર આપવા અપીલ કરવામાં આવી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદે આ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ડીજીપી ઉત્તર પ્રદેશને મોકલવામાં આવેલી ફરિયાદમાં વીએચપીએ કહ્યું છે કે આ રામમંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને બદનામ કરવાનો પ્રયાસ છે. આ દ્વારા લોકો પાસેથી ગેરકાયદે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. આ છેતરપિંડી પાછળના લોકોની વહેલી તકે ધરપકડ કરી યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને અપીલ કરવામાં આવી છે. વીએચપીના પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું કે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે કોઈ દાન માગવામાં આવી રહ્યું નથી અને આ માટે કોઈ સમિતિની રચના પણ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન એક સામાજિક પ્રસંગ છે અને સમગ્ર દેશ એની ખુશીમાં મસ્ત છે.