13 July, 2023 10:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
રાહુલ ગાંધી વિરુદ્ધના બદનક્ષીના કેસમાં ફરિયાદી બીજેપીના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કૅવિએટ પિટિશન દાખલ કરી છે. તેમણે આ કૅવિએટમાં માગણી કરી છે કે મોદી સરનેમ વિશે કમેન્ટ કરવાના કેસમાં કૉન્ગ્રેસના આ લીડરને સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કરતા હાઈ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી તેમના દ્વારા કરવામાં આવે તો એવી સ્થિતિમાં પૂર્ણેશ મોદીને સાંભળવામાં આવે.
ગુજરાત હાઈ કોર્ટના સિંગલ જજની બેન્ચે સાતમી જુલાઈએ બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને સજા આપતા ચુકાદા પર સ્ટે મૂકવાની માગણી કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર પૂર્ણેશ મોદીએ એ જ દિવસે તેમના લૉયર પી. એસ. સુધીર દ્વારા સુપ્રીમમાં કૅવિએટ દાખલ કરી હતી.