13 January, 2023 11:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નવી દિલ્હી : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક અધિકારીએ વિઝા મંજૂર કરવાના બદલામાં સેક્સની માગણી કરી હતી. એક મહિલાએ આવો આરોપ મૂક્યો છે.
આ મહિલાએ એક ન્યુઝ ચૅનલને જણાવ્યું હતું કે ‘આ અધિકારીએ મારો હાથ પકડીને મને પૂછ્યું હતું કે તારાં મૅરેજ થઈ ગયાં છે કે નહીં. તેણે મને સવાલ કર્યો હતો કે સેક્સ માટેની તારી ઇચ્છાને સંતોષવા માટે હું શું કરું. હું ખરેખર હેબતાઈ ગઈ હતી. તેણે મને મારો ધર્મ પણ પૂછ્યો હતો. આવી વાતો સાંભળીને હું ત્યાંથી ઊભી થઈને જતી રહી હતી.’ આ મહિલાએ જણાવ્યું હતું કે આ કથિત ઘટના માર્ચ ૨૦૨૨ની છે.
આ પણ વાંચો : વૉશિંગ્ટનમાં પાકિસ્તાનની એમ્બેસી માટે ભારતીયે પણ લગાવી બોલી
આ મહિલાએ એમ પણ જણાવ્યું હતું કે આ પાકિસ્તાની અધિકારીએ ભારત, કાશ્મીર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખવા પણ કહ્યું હતું. આ મહિલાએ વિદેશપ્રધાન એસ. જયશંકરને એક લેટર લખીને આ ભયાનક અનુભવ વિશે જણાવ્યું હતું અને સાથે જ ન્યાય માટે અપીલ કરી હતી.
એક ન્યુઝ ચૅનલને ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં આ મહિલાએ જણાવ્યું હતું કે આ ઑફિસરે પોતાની ઓળખ આસિફ તરીકે આપી હતી. આ મહિલાને જ્યારે વિઝા માટે ના પાડવામાં આવી એ પછી આ મહિલા એમ્બેસીમાંથી જઈ રહી હતી ત્યારે આ અધિકારીએ તેને મદદ કરવાની તૈયારી બતાવી હતી. આ મહિલાએ એક ગુરુદ્વારા ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેવા અને એક લેક્ચર આપવા માટે સ્પૉન્સર્ડ વિઝિટ માટે પાકિસ્તાન વિઝા માટે અપ્લાય કરી હતી.