10 April, 2023 12:34 PM IST | Bhatinda | Gujarati Mid-day Correspondent
અમ્રિતપાલ સિંહ ફાઇલ તસવીર
ખાલિસ્તાની નેતા અમ્રિતપાલ સિંહના ખરાઈ કર્યા વિનાના એક વિડિયો બાદ પંજાબના ભટિંડામાં સુરક્ષા-વ્યવસ્થા વધારવામાં આવી છે. આ વિડિયોમાં અમ્રિતપાલે પોતાના ફૉલોઅર્સને સિખોના મુદ્દે ચર્ચા કરવા માટે બૈસાખી પર ભારે ભીડ જમા કરવા માટે હાકલ કરી હતી. ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ સુરિન્દર પાલ સિંહ પરમારે જણાવ્યું હતું કે ‘અમે સુરક્ષા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. અમે ઇચ્છીએ છીએ કે બૈસાખી પર વધારેમાં વધારે લોકો પંજાબની મુલાકાત લે. એનાથી પૉઝિટિવ મેસેજ જશે કે પંજાબમાં સ્થિતિ સામાન્ય છે. કોઈ નિયંત્રણો મૂકવામાં આવ્યાં નથી.’
અમ્રિતપાલ એક નવા વિડિયોમાં એમ કહેતો જોવા મળ્યો હતો કે તે ભાગેડુ નથી અને ટૂંક સમયમાં જ દુનિયા સમક્ષ આવશે. અમ્રિતપાલે કહ્યું હતું કે ‘જે લોકો વિચારે છે કે તે ભાગી ગયો છે કે પોતાના મિત્રોને છોડી દીધા છે, તેમણે પોતાના દિમાગમાંથી આ વાત કાઢી નાંખવી જોઈએ. કોઈએ શંકા ન કરવી જોઈએ કે હું પોતાના લોકોથી દૂર ભાગી ગયો છું. હું જલદી દુનિયા સમક્ષ હાજર થઈશ. હું વિદેશમાં જઈને વિડિયો પોસ્ટ કરું એ પ્રકારનો વ્યક્તિ નથી. અનેક લોકોએ કહ્યું છે કે મેં મારા વાળ કાપી નાંખ્યા છે. વાળ કાપવા કરતાં હું મારું માથું કપાવી નાંખીશ.’ અમ્રિતપાલ ૧૮મી માર્ચથી ફરાર છે.