04 March, 2025 06:59 AM IST | Jalandhar | Gujarati Mid-day Online Correspondent
પાદરી બજિંદર સિંહ
પંજાબના જાલંધર જિલ્લાના એક ગામમાં સ્થિત ચર્ચના પાદરી બજિંદર સિંહ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે. એક છોકરીએ આરોપ લગાવ્યો છે કે પાદરી બલજિંદર સિંહ 2017 થી તેની સાથે અયોગ્ય વર્તન કરવા લાગ્યા હતા. કપૂરથલાની પીડિત છોકરીએ જણાવ્યું કે તે અને તેના માતા-પિતા ઑક્ટોબર 2017 થી ચર્ચમાં જતા હતા. આ દરમિયાન પાદરી બજિન્દરે પીડિતાનો મોબાઇલ નંબર મેળવ્યો હતો, ત્યારબાદ આરોપીએ તેને સતત મેસેજ મોકલવાનું શરૂ કર્યું. ડરના કારણે છોકરીએ આ ઘટના તેના માતા-પિતાને પણ જણાવી ન હતી.
અયોગ્ય સ્પર્શના આરોપો
ફરિયાદી છોકરીના જણાવ્યા મુજબ, 2022 પછી, પાદરી બજિન્દર સિંહે પીડિતાને દર રવિવારે ચર્ચના એક કૅબિનમાં એકલા બેસવાનું કહ્યું. પીડિતાનું કહેવું છે કે પાદરી બજિન્દરે તેને ગળે લગાવી હતી અને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. બીજા એક નિવેદનમાં, પીડિતાએ કહ્યું, "જ્યારે હું કૉલેજ જતી હતી, ત્યારે પાદરી કારમાં મારો પીછો કરતા હતા અને મને ધમકી આપતા હતા કે જો હું લગ્ન નહીં કરું તો તે મારા પરિવારને નુકસાન પહોંચાડશે. આના કારણે મને ચિંતાના હુમલા થવા લાગ્યા."
પોલીસ તપાસ અને કાનૂની કાર્યવાહી થશે
આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ, ચર્ચ અને સોશિયલ મીડિયા પર પાદરી બજિન્દર સિંહ વિરુદ્ધ ચર્ચાઓએ જોર પકડ્યું છે, અને તેની સામે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 354A (જાતીય સતામણી), 354D (પીછો કરવો) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાદરી બજિન્દર સિંહ પર અગાઉ પણ આવા ગંભીર આરોપો લાગી ચૂક્યા છે. 2018 માં, તેની બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 2018 માં કાર્યવાહી થયા પછી, પાદરી બજિન્દર પંજાબથી દિલ્હી ગયા અને લંડન ભાગી જવાની યોજના બનાવી હતી. જોકે, પોલીસે સમયસર તેને પકડી લીધો.
પાદરી બજિંદર સિંહ સોશિયલ મીડિયા પર પણ ઘણા પ્રખ્યાત છે. પંજાબ સહિત અનેક રાજ્યોમાં તેમનો ખ્રિસ્તી ધાર્મિક મેળવો પણ યોજે છે, જેમાં તે માત્ર અડીને લોકોની દરેક પ્રકારની બીમારીઓને દૂર કરે છે એવો પણ દાવો કરે છે. તેમના આ ઈલાજના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. જોકે આ સામે અનેક વખત અંધશ્રદ્ધાને પ્રોત્સાહિત કરવા બદલ અનેક ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે.