પ્રિયંકા ગાંધી-વાડ્રા લોકસભામાં પહોંચ્યાં

29 November, 2024 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગાંધી-નેહરુ પરિવારનાં સોળમા મેમ્બરે સંસદસભ્ય તરીકે શપથ લીધા

પ્રિયંકા ગાંધી-વાડ્રા સંસદભવનમાં પ્રવેશી રહ્યાં હતાં ત્યારે ભાઈ રાહુલે મોબાઇલથી તેમના ફોટો પાડ્યા હતા.

કેરલાના વાયનાડથી લોકસભાની પેટાચૂંટણી જીત્યા બાદ પ્રિયંકા ગાંધી-વાડ્રા ગઈ કાલે સંસદભવન પહોંચ્યાં હતાં અને તેમણે સંસદસભ્ય તરીકે શપથ લીધા હતા. ગાંધી-નેહરુ પરિવારનાં સંસદમાં પહોંચનારાં તે સોળમા મેમ્બર બન્યાં છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તેમને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

વાયનાડમાં આશરે ૪,૧૦,૯૩૧ લાખ મતની બહુમતીથી જીતનારાં પ્રિયંકા ગાંધીએ ગઈ કાલથી તેમની જનપ્રતિનિધિ તરીકેની રાજકીય સફરનો આરંભ કર્યો હતો. સંસદભવનમાં પહોંચીને તેમણે ખુશી દર્શાવી હતી અને કહ્યું હતું કે આ મારા જીવનમાં ગૌરવપૂર્ણ ક્ષણ છે.

પ્રિયંકા ગાંધીની સંસદસભ્ય તરીકેની શપથવિધિ વખતે આખો ગાંધી પરિવાર સંસદમાં મોજૂદ રહ્યો હતો. આ પ્રસંગે ભાઈ રાહુલ ગાંધી સાથે તેમનું જબરદસ્ત બૉન્ડિંગ નજરે પડ્યું હતું અને સંસદભવનમાં પ્રવેશ કરતી વખતે રાહુલ ગાંધીએ ફોટોગ્રાફર બનીને બહેનની ઘણીબધી તસવીરો ખેંચી હતી.

સંસદમાં હવે ગાંધીપરિવારની એકસાથે ત્રણ વ્યક્તિ
પ્રિયંકા ગાંધી-વાડ્રા સંસદસભ્ય બનીને લોકસભામાં પ્રવેશ્યાં એની સાથે હવે પાર્લમેન્ટમાં તેમના પરિવારના ત્રણ જણ થઈ ગયા છે. રાહુલ ગાંધી રાયબરેલીના સંસદસભ્ય છે જ્યારે તેમનાં મમ્મી સોનિયા ગાંધી રાજ્યસભાનાં સદસ્ય છે.

હાથમાં બંધારણની પ્રત સાથે શપથ લેતાં પ્રિયંકા ગાંધી-વાડ્રા.

પ્રિયંકા ગાંધી-વાડ્રાનાં સંતાનો રૈહાન અને મિરાયા શપથવિધિ વખતે હાજર રહ્યાં હતાં.

national news india kerala priyanka gandhi congress parliament rahul gandhi