24 November, 2024 11:28 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
ચૂંટણી જીત્યા પછી ગઈ કાલે દિલ્હીમાં વિક્ટરીની નિશાની દેખાડતાં પ્રિયંકા ગાંધી વાડ્રા. ગઈ કાલે હૈદરાબાદમાં સિનિયર કૉન્ગ્રેસી નેતા વી. હનુમંત રાવ અને પાર્ટીના અન્ય લોકોએ પ્રિયંકાના પોસ્ટર પર દૂધનો અભિષેક કર્યો હતો.
કેરલાની વાયનાડ લોકસભા બેઠક પરની પેટાચૂંટણીમાં પહેલી જ વાર ચૂંટણી લડીને વિજય મેળવવાની સાથે પ્રિયંકા ગાંધી-વાડ્રાએ સક્રિય રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.
કેરલાની વાયનાડ લોકસભા બેઠક પર પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસ વતી પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવી એ સાથે કેરલાના લોકોના મનમાં એક જ સવાલ હતો કે શું પ્રિયંકા ગાંધી જીતના માર્જિનમાં રાહુલ ગાંધીનો રેકૉર્ડ તોડી શકશે કે નહીં. શનિવારે પેટાચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે તેઓ માર્જિનની એકદમ નજીક પહોંચી ગયાં હતાં. તેમની જીતનું માર્જિન ૪,૧૦,૯૩૧ મત રહ્યું છે અને તેમણે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI)ના સત્યન મોકેરી અને BJPનાં નવ્યા હરિદાસને હરાવ્યાં છે. જીતના માર્જિનમાં પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીનો ૨૦૨૪નો રેકૉર્ડ તોડી નાખ્યો છે, પણ ૨૦૧૯માં ૪.૩૦ લાખ મતના માર્જિનથી જીત મેળવવાનો રાહુલ ગાંધીનો એ રેકૉર્ડ તોડવામાં તેમને સફળતા મળી નથી. ૨૦૨૪ના એપ્રિલમાં રાહુલ ગાંધીની જીતનું માર્જિન ૩.૬૪ લાખ મતનું હતું.
૨૦૨૪માં રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં રાયબરેલી બેઠક પર પણ જીત્યા હતા અને આ બેઠક તેમનાં મમ્મી સોનિયા ગાંધીની પરંપરાગત બેઠક હતી. આથી આ બેઠક જાળવીને તેમણે વાયનાડ બેઠક પરથી રાજીનામું આપતાં પેટાચૂંટણી યોજાઈ હતી. એ સમયે કેરલાના અને ખાસ કરીને વાયનાડના લોકોમાં રાહુલ ગાંધી માટે નારાજગી છવાઈ હતી, પણ એક વાર આ બેઠક માટે પ્રિયંકા ગાંધીનું નામ જાહેર થતાં આ નારાજગી દૂર થઈ ગઈ હતી.
જુલાઈ મહિનામાં વાયનાડમાં આવેલા ભૂસ્ખલનમાં ચાર ગામનું નામનિશાન મટી ગયું હતું, પણ એ સમયે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને યોગ્ય કરવાનો ભરોસો અપાવ્યો હતો. આ મુલાકાતની સારી અસર પડી હતી.
વાયનાડની પેટાચૂંટણી જાહેર થઈ ત્યારે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવવા માટે અહીંની મુલાકાત લીધી હતી અને એ સમયે તેમની સાથે મમ્મી સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધી મોજૂદ હતાં અને તેમને ઘણો સારો આવકાર મળ્યો હતો. ત્યાર બાદ ૧૪ દિવસના પ્રચાર વખતે પણ તેમની રૅલીઓમાં ઘણા લોકો આવતા હતા અને એને ભારે રિસ્પૉન્સ મળ્યો હતો.
જોકે ૧૩ નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીમાં મતદાનની ટકાવારી ઘટી જતાં લોકોનાં ભવાં ચડી ગયાં હતાં. એપ્રિલ મહિનામાં અહીં ૭૩.૫૭ ટકા મતદાન થયું હતું, પણ ૧૩ નવેમ્બરે મતદાનનો આંકડો ઘટીને ૬૪.૨૨ ટકા રહ્યો હતો.
ગઈ કાલે મતગણતરી શરૂ થઈ ત્યારથી જ પ્રિયંકા ગાંધીએ પહેલા રાઉન્ડથી લીડ બનાવી રાખી હતી અને છેલ્લે સુધી તે આગળ જ રહ્યાં હતાં. CPIના ઉમેદવાર સત્યન મોકેરી અને BJPનાં ઉમેદવાર નવ્યા હરિદાસ તેમની પાર્ટીને એપ્રિલ મહિનાની જનરલ ચૂંટણીમાં મળેલા મત પણ મેળવી શક્યાં નહોતાં. CPIનાં ઍની રાજાને એ સમયે ૨.૮૩ લાખ અને BJPના સ્ટેટ પ્રેસિડન્ટ કે. સુરેન્દ્રનને ૧.૪૧ લાખ મત મળ્યા હતા. આ સમયે સત્યન મોકેરીને ૨.૧૧ લાખ અને નવ્યા હરિદાસને ૧.૦૯ લાખ મત મળ્યા હતા.