30 April, 2023 10:01 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે જંતર મંતર ખાતે રેસલર્સના વિરોધ-પ્રદર્શન દરમ્યાન દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ.
નવી દિલ્હી ઃ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધની લડાઈમાં હવે રેસલર્સને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનો સાથ મળ્યો છે. તેઓ બન્ને રેસલર્સને મળ્યાં હતાં. કેજરીવાલે દેશના ટોચના ઍથ્લીટ્સને તેમના વિરોધ-પ્રદર્શનમાં સપોર્ટ આપવાની લોકોને અપીલ કરી હતી.
દિલ્હી પોલીસે આખરે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફની વિરુદ્ધ શુક્રવારે રાત્રે બે એફઆઇઆર દાખલ કર્યો હતો. રેસલર્સ હવે બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગણી કરી રહ્યા છે.
કેજરીવાલે જંતર મંતર ખાતે રેસલર્સની વચ્ચે રહીને મીડિયાને કહ્યું હતું કે ‘આ ઍથ્લીટ્સે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું છે. જોકે, એક અઠવાડિયાથી તેમને જંતર મંતર ખાતે વિરોધ-પ્રદર્શન કરવાની ફરજ પાડવામાં આવી છે. શા માટે? કેમ કે એક રાજકારણીએ મહિલાઓની સાથે ખોટું કર્યું છે. આ દેશને પ્રેમ કરનાર દરેક નાગરિકે રેસલર્સની પડખે રહેવું જોઈએ.’
પ્રિયંકા ગાંધીએ વિરોધ-પ્રદર્શનના સ્થળે કહ્યું હતું કે ‘જ્યારે આ ગર્લ્સ મેડલ્સ જીતે છે ત્યારે દરેક જણ ટ્વીટ કરે છે અને કહે છે કે તેઓ આપણા દેશનું ગૌરવ છે, પરંતુ હવે જ્યારે તેઓ રસ્તા પર બેઠા છે અને કહે છે કે તેમની સાથે ખોટું થયું છે ત્યારે તેમને સાંભળવા માટે કોઈ તૈયાર નથી.’
ફોગાટ કઝિન સિસ્ટર્સ આમને-સામને
ફોગાટ કઝિન્સ વિનેશ અને બબીતાની વચ્ચે શાબ્દિક લડાઈ શરૂ થઈ ગઈ છે. જેનું કારણ એ છે કે પ્રિયંકા ગાંધી તેમના પર્સનલ સેક્રેટરી સંદીપ સિંહની સાથે જંતરમંતરમાં પહોંચ્યાં હતાં.
બબીતા ફોગાટે એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘પ્રિયંકા વાડ્રા પોતાના પર્સનલ સેક્રેટરી સંદીપ સિંહને લઈને જંતરમંતર પર મહિલા પહેલવાનોને ન્યાય અપાવવા પહોંચ્યાં છે, પરંતુ આ વ્યક્તિ (સંદીપ) પર જ મહિલાઓની છેડતી અને એક દલિત મહિલાને ‘દો કૌડી કી ઔરત’ કહેવા જેવા આરોપ મૂકવામાં આવ્યા છે.’