18 September, 2023 08:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે ઇન્ડિયા ઇન્ટરનૅશનલ કન્વેન્શન ઍન્ડ એક્સ્પો સેન્ટરના ઉદ્ઘાટન દરમ્યાન એક એક્ઝિબિશનની વિઝિટ લઈ રહેલા પીએમ નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરાગત કારીગરો અને શિલ્પકારો માટે ૧૩,૦૦૦ કરોડની પીએમ વિશ્વકર્મા યોજનાને ગઈ કાલે લૉન્ચ કરી હતી અને સાથે જ નવી દિલ્હીમાં દ્વારકા ખાતે અત્યાધુનિક ઇન્ડિયા ઇન્ટરનૅશનલ કન્વેન્શન ઍન્ડ એક્સપો સેન્ટર-‘યશોભૂમિ’ના ૫૪૦૦ કરોડના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું.
સરકારના ‘વોકલ ફોર લોકલ’ના વિઝન પર ભાર મૂકતાં વડા પ્રધાને અહીં ગણેશચતુર્થી, ધનતેરસ અને દિવાળી સહિતના આગામી ફેસ્ટિવલ્સ દરમ્યાન લોકલ પ્રોડક્ટ્સ ખરીદવા લોકોને જણાવ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે ‘આજે હું ‘યશોભૂમિ’ દેશના દરેક વિશ્વકર્મા, દરેક શ્રમિકને સમર્પિત કરું છું. આજે દેશમાં એવી સરકાર છે કે જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને માન્યતા આપે છે.’ તેમણે વિશ્વકર્મા યોજનાને લૉન્ચ કરવાના પ્રસંગે આ યોજના હેઠળ જેમના વર્કર્સને કવર કરવામાં આવ્યા છે એવા ૧૮ પરંપરાગત વેપારોને કવર કરતી ૧૮ કસ્ટમાઇઝ્ડ પોસ્ટેજ સ્ટૅમ્પ્સની શીટ્સનું પણ અનાવરણ કર્યું હતું.
યશોભૂમિ ખાતે એકત્ર થયેલા લોકોને વિશ્વકર્મા યોજના વિશેની વિગતો આપતાં વડા પ્રધાને કારીગરો અને શિલ્પકારોને જીએસટી-રજિસ્ટર હોય એવી જ દુકાનોમાંથી મેઇડ ઇન ઇન્ડિયા ટૂલકિટ્સ ખરીદવા જણાવ્યું હતું.
વિશ્વકર્મા યોજના શું છે?
આ યોજના હેઠળ ઉદ્યોગના વિકાસ માટે કોઈ પણ પ્રૉપર્ટી કે બીજા કોઈ દસ્તાવેજો ગિરવી મૂક્યા વિનાની લોન મળે છે, જેમાં ૧૮ મહિનાના રીપેમેન્ટ માટેના પહેલા હપ્તામાં એક લાખ રૂપિયા, જ્યારે ૩૦ મહિનાના રીપેમેન્ટ માટેના બીજા હપ્તામાં બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. લાભાર્થી પાસેથી પાંચ ટકાના કન્સેશન વ્યાજ દર વસૂલવામાં આવશે. આ વેપારોમાં કાર્પેન્ટર, બોટ બનાવનાર, શસ્ત્રો બનાવનાર, લુહાર, હથોડા અને ટૂલકિટ બનાવનાર, તાળાં બનાવનાર, સોની, કુંભાર, શિલ્પકાર, પથ્થર તોડનાર, કૉબ્લર, કડિયો, બાસ્કેટ-મૅટ-ઝાડું બનાવનાર, ડોલ અને ટૉય બનાવનાર (પરંપરાગત), બાર્બર, ફૂલોનો હાર બનાવનાર, વૉશરમૅન, ટેલર અને માછીમારીની જાળી બનાવનાર સામેલ છે.