દશાશ્વમેધ ઘાટમાં ગંગાપૂજન અને કાલભૈરવનાં દર્શન કર્યા પછી બન્યા કાશીના ઉમેદવાર

15 May, 2024 07:55 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય પ્રધાનો અને અનેક મુખ્ય પ્રધાનોના કાફલા સાથે વારાણસીમાંથી ત્રીજી વાર ફૉર્મ ભર્યું નરેન્દ્ર મોદીએ

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર ગંગાપૂજન કરીને કાલભૈરવનાં દર્શન કર્યાં હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઉત્તર પ્રદેશના વારાણસી મતદારસંઘમાં ત્રીજી વાર ઉમેદવારી નોંધાવી હતી. ૨૦૧૪ અને ૨૦૧૯ કરતાં પણ તેમને મોટી જીત મળશે એવી ધારણા છે.
કલેક્ટરની ઑફિસના ગેટ પર કારમાંથી ઊતરી ગયા બાદ તેઓ ચાલીને જિલ્લા કલેક્ટરેટમાં ગયા હતા અને ઉમેદવારીપત્ર સુપરત કર્યું હતું. તેમની સાથે તેમના ઉમેદવારીપત્રના ચાર પ્રસ્તાવકો પંડિત ગણેશ્વર શાસ્ત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહા અને સંજય સોનકર હાજર હતા. પંડિત ગણેશ્વર શાસ્ત્રીએ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ઉમેદવારી નોંધાવતાં પહેલાં વડા પ્રધાને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે કાશી સાથેનો મારો સંબંધ અદ્ભુત, અવિભાજ્ય અને અજોડ છે; હું એટલું જ કહી શકું છું કે એને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.

૨૦૧૯ની જેમ આ વખતે પણ ઉમેદવારી નોંધાવવાના આગલા દિવસે વડા પ્રધાને કાશીમાં ભવ્ય રોડ-શો કર્યો હતો. ઉમેદવારી નોંધાવતાં પહેલાં ગઈ કાલે સવારે વડા પ્રધાને દશાશ્વમેધ ઘાટ પર ગંગાપૂજન કર્યું હતું અને ત્યાર બાદ નમો ઘાટ જવા ક્રૂઝ શિપમાં સવારી કરી હતી. તેમણે કાલભૈરવ મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં અને પછી ઉમેદવારી નોંધાવી હતી.

ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે કેન્દ્રીય પ્રધાનોમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, BJP પ્રમુખ જે. પી. નડ્ડા અને નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના વિવિધ પક્ષોના પ્રમુખો પણ ઉપસ્થિત હતા. એમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ, છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈ, રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, આસામના મુખ્ય પ્રધાન હેમંતા બિસ્વ શર્મા, હરિયાણાના મુખ્ય પ્રધાન નાયાબ સિંહ સૈની, ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત, સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગ અને ત્રિપુરાના મુખ્ય પ્રધાન માનિક સાહા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી નોંધાવ્યા બાદ મોદીએ ઉપસ્થિત મહેમાનો સાથે ટૂંકમાં ચર્ચા કરી હતી. ત્યાર બાદ તેઓ રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં ગયા હતા અને સ્થાનિક પાર્ટી કાર્યકરો સાથે સંવાદ સાધ્યો હતો. વારાણસીમાં પહેલી જૂને સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થવાનું છે.

પહેલી વાર હીરાબાના આશીર્વાદ લીધા વગર નોંધાવી ઉમેદવારી

નૉમિનેશન દાખલ કર્યા બાદ મોદીએ શૅર કર્યો માતાને શ્રદ્ધાંજલિ આપતો વિડિયો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર માતા હીરાબહેનના આશીર્વાદ વિના ચૂંટણી લડી રહ્યા છે. મંગળવારે ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે એક ​વિડિયો શૅર કર્યો હતો જેમાં તેમણે માતા હીરાબહેનના શાશ્વત પ્રેમને અંજલિ આપી હતી. પાંચ મિનિટના ​આ વિડિયોમાં વડા પ્રધાનના જીવન પર માતાની કેવી અસર હતી એ દર્શાવવામાં આવ્યું છે. બાળક તરીકે તેમના વિચારોમાં કેવો બદલાવ આવ્યો, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો ભાવ કેવી રીતે આવ્યો એની વિગતો એમાં રજૂ કરવામાં આવી છે.

વડા પ્રધાને સોશ્યલ મીડિયા પર આ ​વિડિયો શૅર કરતાં લખ્યું હતું કે માતા જેવું કશું હોતું નથી. આ ​વિડિયોમાં મોદીજી અને હીરાબહેન વચ્ચેના મજબૂત સ્નેહ અને બંધનને રજૂ કરતી ક્લિપ મૂકવામાં આવી છે અને માતાએ તેમને જે સંસ્કારોનું ભાથું આપ્યું એની વાત કહેવાઈ છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી તેમનાં માતાને મળવા ગયા હતા ત્યારે હીરાબહેને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે મને તારા કામની કોઈ સમજ પડતી નથી, પણ તું જિંદગીમાં કદી લાંચ લઈશ નહીં. ‘કામ કરો બુદ્ધિ સે, જીવન જિયો શુદ્ધિ સે’નો મંત્ર હીરાબહેને પુત્ર નરેન્દ્ર મોદીને આપ્યો હતો.  ઘણા સમારોહમાં વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે તેમની માતાની જિંદગી કેટલી સંઘર્ષમય હતી અને તમામ અવરોધો છતાં પણ તેઓ સમાજને નિ:સ્વાર્થ સેવા આપતાં રહ્યાં હતાં. માતાની નિ:સ્વાર્થ સેવાએ મોદીના વિચારોને ખૂબ પ્રભાવિત કર્યા હતા અને તેથી તેઓ સમાજકે​ન્દ્રિત અભિગમ અપનાવી શક્યા હતા. આ ​વિડિયો હીરાબહેનની જન્મજાત માન્યતાઓ વિશે પણ જાણકારી આપે છે અને તેઓ હંમેશાં કહેતાં હતાં કે મને ભગવાન પર પૂરી શ્રદ્ધા છે, તે જે કરે છે એ સારા માટે જ કરે છે. માતા હીરાબહેન હાજર ન હોય એવી વડા પ્રધાન મોદીની આ પહેલી ચૂંટણી છે. થોડા દિવસ પહેલાં એક ટીવી-ઇન્ટરવ્યુમાં ભાવુક થઈને વડા પ્રધાને કહ્યું હતું કે આ પહેલી ચૂંટણી છે જેમાં હું મારી માતાના આશીર્વાદ લીધા વિના ઉમેદવારી નોંધાવી રહ્યો છું.

national news narendra modi varanasi uttar pradesh Lok Sabha Election 2024 bharatiya janata party