13 August, 2023 11:14 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દ્રૌપદી મુર્મુ
નવી દિલ્હી ઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના તોફાની મૉન્સૂન સેશન દરમ્યાન પસાર કરવામાં આવેલાં સાત બિલને ગઈ કાલે મંજૂરી આપી હતી. હવે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ધ રજિસ્ટ્રેશન ઑફ બર્થ્સ ઍન્ડ ડેથ્સ (સુધારો) બિલ, જન વિશ્વાસ (સુધારાની જોગવાઈ) બિલ તેમ જ ગવર્નમેન્ટ ઑફ નૅશનલ કૅપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારો) બિલ હવે કાયદા બની ચૂક્યાં છે, જેમાંથી ઓછાંમાં ઓછાં બે બિલનો વિરોધ પક્ષોએ ખૂબ જ વિરોધ કર્યો હતો.
દેશની રાજધાનીમાં ઍડ્મિનિસ્ટ્રેશન સર્વિસિસ પરના કન્ટ્રોલ માટેના કેન્દ્ર સરકારના બિલનો વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયા દ્વારા ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે એના પર વોટિંગ થયું હતું ત્યારે વિરોધ પક્ષોના સંસદસભ્યોએ સંસદમાંથી વૉકઆઉટ કર્યું હતું.
ગૃહપ્રધાન અમિત શાહે કેન્દ્ર સરકારના આ બિલનો બચાવ કર્યો હતો. જોકે કેન્દ્ર સરકાર અને અરવિંદ કેજરીવાલની સરકાર વચ્ચે આઠ વર્ષના ઘર્ષણ બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે ચૂંટાયેલી સરકાર દિલ્હીની બૉસ છે.
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને વિરોધ પક્ષોના સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર વચ્ચે ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદામાં ડેટા સિક્યૉરિટીના ભંગ બદલ ૨૫૦ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.