25 October, 2024 08:54 AM IST | Shimla | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરાખંડની જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ગઈ કાલે શિમલાના રામમંદિરમાં ગૌ ધ્વજ ફરકાવવાના કાર્યક્રમમાં જવાની ના પાડી દીધી હતી. એનું કારણ હતું સાંઈબાબાની મૂર્તિ. શિમલાના રામમંદિરમાં સાંઈબાબાની મૂર્તિ મૂકવામાં આવી હોવાથી એનાથી ગુસ્સે ભરાઈને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મંદિરમાં પગ મૂકવાની ના પાડીને એનો બહિષ્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હિન્દુ મંદિરોમાં સાંઈબાબાનું કોઈ સ્થાન નથી અને તેમનું નામ ક્યાંય ન હોવું જોઈએ. મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓએ સાંઈબાબાની મૂર્તિ પૈસા કમાવા માટે મૂકી છે. અમે એની ઘોર નિંદા કરીએ છીએ.’
મંદિરના પૂજારી જીતરામ શર્માએ ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘સાંઈબાબાની મૂર્તિ મંદિરની બહાર છે ત્યાં કોઈ પ્રાર્થના કરવામાં નથી આવતી. આ ઘટના બાદ ગૌ રક્ષક દળના વાઇસ પ્રેસિડન્ટે સાંઈબાબાની મૂર્તિને ત્યાંથી હટાવવાની માગણી કરીને કહ્યું હતું કે એક વાર આ મૂર્તિ ત્યાંથી દૂર કરવામાં આવશે ત્યાર બાદ મંદિરમાં આવવાનો શંકરાચાર્યએ અમને વાયદો કર્યો છે.