22 September, 2024 09:16 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પ્રશાંત કિશોર
ચૂંટણીના રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે ગઈ કાલે દાવો કર્યો હતો કે બીજી ઑક્ટોબરે તેમની જન સુરાજ પાર્ટી લૉન્ચ થશે ત્યારે બિહારના એક કરોડ લોકો એના મેમ્બર હશે. એમાં કોઈ ખાસ વ્યક્તિ નહીં હોય, પણ બિહારના સામાન્ય લોકોનું એ પ્રતિનિધિત્વ કરશે.
આ સંદર્ભમાં વધુ જાણકારી આપતાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ‘જન સુરાજ પાર્ટીની સ્થાપના રાજ્યના એક કરોડ લોકોનો સામુદાયિક પ્રયાસ છે અને એ શિક્ષણ, રોજગાર અને બીજાં રાજ્યોમાં સ્થળાંતર જેવા વિષયો બાબતે લોકોની સમસ્યાનો ઉકેલ લાવશે. બિહારમાં છેલ્લાં ત્રીસ વર્ષથી લાલુ પ્રસાદ યાદવ, નીતીશકુમાર અને ભારતીય જનતા પાર્ટી (BJP)નું સત્તામાં પ્રભુત્વ રહ્યું છે અને એમાંથી લોકોને આઝાદી અપાવવાનો ઉદ્દેશ છે.’
જન સુરાજ અભિયાનની વિશિષ્ટતા વિશે ભાર મૂકતાં પ્રશાંત કિશોરે નોંધ્યું હતું કે ‘એની સત્તાવાર સ્થાપના પહેલાં એક કરોડ લોકો એમાં જોડાયા છે અને દેશના રાજકીય ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે. સામાન્ય રીતે રાજકીય પક્ષની સ્થાપના થયા બાદ એમાં સભ્યોની નોંધણી શરૂ થાય છે, પણ જન સુરાજના કેસમાં એ રિવર્સમાં થયું છે, પહેલાં એમાં લોકો જોડાયા છે અને પછી એ પક્ષ બન્યો છે.’