16 June, 2024 09:37 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
નીતિશ કુમાર, નરેન્દ્ર મોદી
રાજકીય રણનીતિકારમાંથી ઍક્ટિવિસ્ટ બનેલા પ્રશાંત કિશોરનું માનવું છે કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પગનો સ્પર્શ કરીને બિહારને શરમજનક પરિસ્થિતિમાં મૂક્યું છે, તેમણે મોદીના પગનો સ્પર્શ સત્તામાં રહેવા માટે જ કર્યો હતો.
બિહારના ભાગલપુરમાં એક જાહેર સભાને સંબોધતાં જન સુરાજ પાર્ટીના વડા પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્ય સહયોગી નીતીશ કુમારે પોતાનો અંતરાત્મા વેચવા મૂક્યો છે. તેમણે કહ્યું કે લોકો મને પૂછે છે કે મેં ભૂતકાળમાં નીતીશ કુમાર સાથે કામ કર્યું હોવા છતાં હવે હું તેમની ટીકા શા માટે કરું છું? એ સમયે તેમનું વ્યક્તિત્વ અલગ હતું. એ સમયે તેમણે પોતાનો અંતરાત્મા વેચવા મૂક્યો નહોતો.’
પ્રશાંત કિશોરે ૨૦૧૫માં નીતીશ કુમારની જનતા દળ-યુનાઇટેડ (JD-U) પાર્ટી માટે ચૂંટણીપ્રચારની રણનીતિ સંભાળી હતી અને તેમનો વિજય થયો હતો. બે વર્ષ બાદ તેઓ નીતીશ કુમારની પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે પછી તેઓ છૂટા પડી ગયા હતા.