24 February, 2024 08:39 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પટિયાલામાં કાળી પઘડી પહેરીને ખેડૂતોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
ગઈ કાલે હરિયાણાના હિસારમાં ખેડૂતો અને પોલીસ આમનેસામને આવી ગયા હતા. પોલીસે ટિયરગૅસના શેલ છોડ્યા હતા તેમ જ ખેડૂતોને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. સામે પક્ષે ખેડૂતોએ પણ પોલીસ પર પથરાવ કર્યો હતો. પોલીસ પથરાવ કરી રહેલા અમુક ખેડૂતોને પકડવા જઈ રહી હતી ત્યારે ખેડૂતોએ તેમને ઘેરી લીધા હતા અને પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. આમાં પોલીસનો જવાન ઘાયલ થયો હતો.
આ બધા વચ્ચે ‘દિલ્હી ચલો’ આંદોલનમાં ભાગ લેનારા ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પંજાબ સરકાર જવાબદારો સામે કેસ નહીં નોંધે ત્યાં સુધી શુભકરણ સિંહના અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે. ૨૧ વર્ષનો શુભકરણ સિંહ બુધવારે હરિયાણા પોલીસ અને પંજાબના ખેડૂતો વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યો હતો.
આ ઘટના પંજાબ-હરિયાણા બૉર્ડર પર ખનૌરી બૉર્ડર પૉઇન્ટ પર બની હતી જ્યારે ખેડૂતો બૅરિકેડ્સ તરફ ધસી ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણમાં ઊતર્યા હતા. શુભકરણને માથામાં ઈજા થઈ હતી અને ખેડૂતો તેમની માગણીઓ પર અડગ હોવાથી પોસ્ટ-મૉર્ટમમાં વિલંબ થયો હતો. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને શુભકરણના પરિવારને ૧ કરોડનું વળતર અને તેની બહેનને સરકારી નોકરી અપાવવાની જાહેરાત કરી હતી. જોકે કિસાન મજદૂર મોરચાના નેતા સરવણ સિંહ પંઢેરે કહ્યું હતું કે ‘અમે શુભકરણના પરિવારને કહ્યું છે કે કાર્યવાહીમાં બે કે ૧૦ દિવસનો સમય લાગી શકે છે. અમારા માટે પૈસા મહત્ત્વના નથી. જ્યાં સુધી એફઆઇઆર નહીં થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે.’
ખેડૂત નેતાએ પંજાબ સરકાર પર એવો પણ આરોપ મૂક્યો હતો કે અધિકારીઓ શુભકરણના પરિવારને અગ્નિસંસ્કાર માટે સંમત થવા માટે દબાણ કરી રહ્યા છે. ખનૌરી બૉર્ડર પર વિરોધ કરી રહેલા અન્ય એક ૬૨ વર્ષના ખેડૂતનું કાર્ડિઍક અરેસ્ટને લીધે મૃત્યુ થયું હતું. આંદોલનમાં અત્યાર સુધીમાં ચાર ખેડૂતોનાં મૃત્યુ થયાં છે.