13 October, 2023 10:30 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
પિથોરાગઢમાં પાર્વતી કુંડ ખાતે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પી.ટી.આઇ.)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે ઉત્તરાખંડની મુલાકાતે હતા. અહીં સૌપ્રથમ તેઓ ભારત અને ચીનની બૉર્ડર પર સ્થિત પિથોરાગઢ જિલ્લામાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ આદિ કૈલાસનાં દર્શન કરીને ધ્યાન પણ ધર્યું હતું. એ દરમ્યાન પીએમ મોદીએ પાર્વતી કુંડમાં પૂજા પણ કરી હતી. એટલું જ નહીં, તેમણે ગુંજી ગામ જઈને રૂરલ લોકોની મુલાકાત કરીને તેમના દ્વારા ઉત્પાદિત સ્થાનિક વસ્તુઓની ખૂબ પ્રશંસા પણ કરી હતી. તેમણે ઇન્ડિયન આર્મી અને આઇટીબીપી (ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ)ના જવાનોની વચ્ચે પહોંચીને તેમનો ઉત્સાહ પણ વધાર્યો હતો.
વડા પ્રધાને પિથોરાગઢમાં કૈલાશ વ્યુ પૉઇન્ટથી કૈલાસનાં દર્શન કર્યાં હતાં. આ વ્યુ પૉઇન્ટ જોલિંગકોંગ વિસ્તારમાં છે કે જ્યાંથી કૈલાસ પર્વત સ્પષ્ટ જોવા મળે છે એટલે કે હવે કૈલાસ ધામનાં દર્શન માટે ચીનના કબજાવાળા તિબેટમાં જવાની જરૂર નથી.
વડા પ્રધાને પાર્વતી કુંડમાં પૂજા કરી હતી. અહીંથી ૨૦ કિલોમીટર દૂર ચીનની બૉર્ડર શરૂ થાય છે. વડા પ્રધાને શંખ અને ડમરુ પણ વગાડ્યાં હતાં.
આદિ કૈલાસ જનારા યાત્રાળુઓ હવે ઉત્તરાખંડના લિપુલેખથી યાત્રા પર જઈ શકે છે. હેલિકૉપ્ટરથી પણ હવે ગુંજી ગામ સરળતાથી પહોંચી શકાય છે. પિથોરાગઢમાં સ્થિત નાભીઢાંગની બરાબર ઉપર બે કિલોમીટર ઊંચા પહાડથી તિબેટમાં સ્થિત કૈલાસ પર્વત સરળતાથી જોઈ શકાય છે.
આદિ કૈલાસનાં દર્શન કરનારા પહેલા વડા પ્રધાન
દેશની આઝાદી પછી ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં સ્થિત આદિ કૈલાસનાં દર્શન કરનારા મોદી દેશના પહેલા વડા પ્રધાન બન્યા છે. જોકે આ પહેલાં પણ તેઓ પિથોરાગઢ આવી ચૂક્યા છે. ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીના સમયે તેઓ અહીં આવ્યા હતા.