મોદીનો ચીનને મેસેજ, ભારત એની ગરિમાના રક્ષણ માટે ફુલ્લી રેડી

21 June, 2023 12:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારત વધારે ઉચ્ચ, મજબૂત અને વ્યાપક પ્રોફાઇલ અને ભૂમિકા માટે હકદાર છે, ડિફેન્સ અને ટ્રેડ પર સ્પેશ્યલ ફોકસ સાથે પીએમની યુએસ વિઝિટ શરૂ

નવી દિલ્હીમાં ગઈ કાલે અમેરિકાની વિઝિટ માટે પ્લેનમાં બેસતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની તેમની ઐતિહાસિક ઑફિશ્યલ રાજકીય યાત્રા માટે ગઈ કાલે રવાના થયા હતા. આ મુલાકાતથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે એમ મનાઈ રહ્યું છે. જેટ એન્જિન ટેક્નૉલૉજી ટ્રાન્સફર માટેની અભૂતપૂર્વ ડીલ પણ થઈ શકે છે. આ યાત્રામાં ખાસ કરીને બન્ને દેશો વચ્ચે ડિફેન્સ અને ટ્રેડ સેક્ટર્સમાં સહયોગ પર ફોકસ રહેશે.
આગામી ત્રણ દિવસ દરમ્યાન પીએમ મોદીના શેડ્યુલમાં અમેરિકન કૉન્ગ્રેસના જૉઇન્ટ સેશનને રૅર સંબોધન, બિઝનેસ લીડર્સની સાથે મીટિંગ તેમ જ ભારતીય અમેરિકનોની ઇવેન્ટ સામેલ છે. એ ઉપરાંત અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનની સાથે વાઇટ હાઉસમાં રાજકીય ભોજન પણ વિશેષ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો આ પહેલાંની સરખામણીમાં અત્યારે સૌથી વધુ મજબૂત અને ગાઢ છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બન્ને દેશોના લીડર્સની વચ્ચે અભૂતપૂર્વ વિશ્વાસ છે. 
દરમ્યાન તેમણે ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘ભારત વધારે ઉચ્ચ, મજબૂત અને વ્યાપક પ્રોફાઇલ અને ભૂમિકા માટે હકદાર છે.’ 
તેમણે ચીનને સખત મેસેજ આપતાં જણાવ્યું હતું કે ‘ભારત એના સાર્વભૌમત્વ અને ગરિમાના રક્ષણ માટે સંપૂર્ણપણે સજ્જ અને કમિટેડ છે. તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અને દેશોના સાર્વભૌમત્વને સન્માન આપવું જોઈએ. યુદ્ધ નહીં, પરંતુ ડિપ્લોમસી અને વાતચીત દ્વારા વિવાદોનો ઉકેલ લાવવો જોઈએ.’  
તેમણે આ ઇન્ટરવ્યુમાં એમ પણ જણાવ્યું હતું કે ‘હું આઝાદ ભારતમાં જન્મનારો પ્રથમ વડા પ્રધાન છું. એ જ કારણે મારી વૈચારિક પ્રક્રિયા અને મારી વર્તણૂક મારા દેશની પરંપરાઓથી પ્રભાવિત અને પ્રેરિત છે. હું એમાંથી શક્તિ મેળવું છું.’  
વડા પ્રધાન ગુરુવારે બીજી વખત અમેરિકન કૉન્ગ્રેસને સંબોધવા જઈ રહ્યા છે. હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ દ્વારા આ સ્પીચ માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિશ્વ યોગ દિવસ પર વડા પ્રધાન યુએનની બિલ્ડિંગ ખાતે યોગ ઇવેન્ટનું નેતૃત્વ કરશે. શુક્રવારે તેઓ વૉશિંગ્ટનમાં રોનાલ્ડ રૅગન બિલ્ડિંગ ઍન્ડ ઇન્ટરનૅશનલ ટ્રેડ સેન્ટર ખાતે સમગ્ર અમેરિકાના અગ્રણી ભારતીય અમેરિકનોની ઇવેન્ટને સંબોધન કરશે.
ન્યુ યૉર્કમાં ટાઇમ્સ સ્ક્વેર અને સૅન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેટ બ્રિજ સહિત હજારો ભારતીય અમેરિકનો પીએમ મોદીના સ્વાગતનો મેસેજ આપવા માટે એકત્ર થશે.

ચીન સાથેના સંબંધો

મોદીએ કહ્યું હતું કે ‘ચીન સાથેના સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા અનિવાર્ય છે. અમે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સન્માન તેમ જ મતભેદો અને વિવાદોના શાંતિપૂર્વક સમાધાનમાં દૃઢપણે માનીએ છીએ.’ 

સંયુક્ત રાષ્ટ્રમાં સભ્યપદ વિશે 

વડા પ્રધાને કહ્યું હતું કે ‘ભારત ઉચ્ચ, મજબૂત અને વ્યાપક ભૂમિકાને હકદાર છે. અમે કોઈ દેશની જગ્યા લેતા નથી. દુનિયામાં ભારત એનું યોગ્ય સ્થાન મેળવી રહ્યું હોવાની પ્રક્રિયા અમે જોઈ રહ્યા છીએ. દુનિયા આજે આ પહેલાં કરતાં પણ વધારે એકબીજા સાથે કનેક્ટેડ છે અને એકબીજા પર નિર્ભર છે. સપ્લાય ચેઇનમાં વધારે ડાઇવર્સિફિકેશનની જરૂર છે.’

યુક્રેન યુદ્ધ

તેમણે યુક્રેન યુદ્ધ વિશે કહ્યું હતું કે ‘કેટલાક લોકોએ કહ્યું હતું કે અમે ન્યુટ્રલ છીએ. જોકે અમે ન્યુટ્રલ નથી. અમે શાંતિના પક્ષમાં છીએ. દુનિયાને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા શાંતિ છે. ભારત આ યુદ્ધનો અંત લાવવા માટે પોતાનાથી શક્ય એ કરશે અને તમામ પ્રામાણિક પ્રયાસોને સપોર્ટ આપશે.’
પીએમ મોદી અમેરિકાની રાજકીય વિઝિટ કરનારા ત્રીજા ભારતીય લીડર છે. આ પહેલાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિષ્નન જૂન ૧૯૬૩માં, જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ નવેમ્બર ૨૦૦૯માં યુએસની રાજકીય વિઝિટ પર ગયા હતા.

 કોઈ ભારતીય વડા પ્રધાને અમેરિકન કૉન્ગ્રેસના જૉઇન્ટ સેશનને બે વખત સંબોધ્યું નથી. વિન્સ્ટન ચર્ચિલ અને નેલ્સન મન્ડેલા જેવી બહુ ઓછી હસ્તીઓએ એમ કર્યું છે એટલા માટે એનું મહત્ત્વ ખૂબ જ છે. - એસ. જયશંકર, વિદેશપ્રધાન
 
 કૉન્ગ્રેસના સભ્યો અને વિચારકો સહિત તમામ સેક્ટર્સના લોકો અમેરિકાની મારી વિઝિટને લઈને તેમનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. હું તેમના ઉમદા શબ્દો બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું. જુદાં-જુદાં ક્ષેત્રોના લોકો તરફથી મળી રહેલો આવો વ્યાપક - સપોર્ટ એ ભારત અને અમેરિકાના સંબંધોમાં ઊંડાણ પર ભાર મૂકે છે.

નરેન્દ્ર મોદી, વડા પ્રધાન

ફ્રાન્સના ઇમૅન્યુઅલ મૅક્રૉન અને સાઉથ કોરિયાના યૂન સુક યેઓલ પછી પીએમ મોદી ત્રીજા વર્લ્ડ લીડર છે કે જેમને પ્રેસિડન્ટ બાઇડન દ્વારા રાજકીય યાત્રા અને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 

narendra modi china united states of america national news washington