25 February, 2023 09:36 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મેઘાલયની રાજધાની શિલૉન્ગમાં ગઈ કાલે એક રોડ-શો દરમ્યાન પોતાના સમર્થકોનું અભિવાદન ઝીલી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ‘વિકૃત વિચારસરણી અને ભાષા’ બદલ કૉન્ગ્રેસની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે દેશ તેમને જડબાતોડ જવાબ આપશે. મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી માટે એક રૅલીને સંબોધતાં વડા પ્રધાને કહ્યું કે દેશે જેમને ફગાવી દીધા છે તેઓ હવે માળા જપે છે કે ‘મોદી તેરી કબ્ર ખુદેગી’ ત્યારે લોકો કહે છે કે ‘મોદી તેરા કમલ ખિલેગા.’
નોંધપાત્ર છે કે દિલ્હી ઍરપોર્ટ પર કૉન્ગ્રેસના નેતા પવન ખેડાની ધરપકડનો વિરોધ કરતો કૉન્ગ્રેસના નેતાઓનો એક વિડિયો વાઇરલ થયો હતો. આ વિડિયોમાં આ નેતાઓ એવો સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા કે ‘તાનાશાહી નહીં ચલેગી’ અને ‘મોદી તેરી કબ્ર ખુદેગી.’
હવે ગઈ કાલે એક ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાને કહ્યું કે ‘હું મેઘાલયમાં સર્વત્ર બીજેપીને જોઈ શકું છું. પહાડ હોય કે મેદાન, ગામ હોય કે ટાઉન, હું સર્વત્ર કમળને ખીલતું જોઈ શકું છું. જે લોકોને દેશ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે તેઓ એને સ્વીકારવા તૈયાર નથી. તેઓ માળા જપે છે કે મોદી તેરી કબ્ર ખુદેગી, પણ દેશ કહે છે કે મોદી તેરા કમલ ખિલેગા. તેમણે વધુમાં કહ્યું કે ‘આવી વિકૃત વિચારસરણી અને ભાષાનો ઉપયોગ કરનારા લોકોને દેશ જડબાતોડ જવાબ આપશે. મેઘાલય અને નાગાલૅન્ડના લોકો પણ જવાબ આપશે.’