01 December, 2023 01:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી
નવી દિલ્હી : વધુ એક વખત લોકસભાની ચૂંટણીમાં જાતિ આધારિત પૉલિટિક્સનાં પાસાં ફેંકવામાં આવી રહ્યાં છે, જેના જ ભાગરૂપે જાતિ આધારિત વસ્તી ગણતરી અને એના આધારે અનામતની ટકાવારી અને માળખામાં ફેરફારોની માગણી કરવામાં આવી રહી છે. આવા માહોલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમની દૃષ્ટિએ ચાર જાતિ ગણાવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે ‘દેશમાં ચાર જાતિ - ગરીબ, યુવા, મહિલાઓ અને ખેડૂતો છે. હું આ ચાર જાતિઓના સશક્તીકરણ માટે કામ કરી રહ્યો છું. મારું માનવું છે કે મૂળ આસ્થા અને ધર્મને છોડીને આ ચાર મૂળ જાતિઓના કલ્યાણથી જ દેશ પ્રગતિ કરશે.’
પીએમ મોદીએ ગઈ કાલે વિડિયો કૉન્ફરન્સ દ્વારા જુદી-જુદી સરકારી યોજનાઓના લાભાર્થીઓની સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું આ સંકલ્પ યાત્રા લઈને નીકળ્યો છું, એની પાછળ મારો હેતુ એ જ છે કે જેમને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે, તેમના અનુભવને જાણવા અને જેમને નથી મળ્યો, તેમને પાંચ વર્ષમાં એ યોજનાઓનો લાભ આપવો. એટલા માટે દેશનાં દરેક ગામમાં ‘મોદી વિકાસની ગૅરન્ટી’ની ગાડી પહોંચવાની છે.’ ગઈ કાલે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના ૧૫ દિવસ પૂરા થયા હતા.
કૉન્ગ્રેસ વિધાનસભાની ચૂંટણીઓમાં લોકોના કલ્યાણ માટે જુદી-જુદી ગૅરન્ટી આપી રહી છે. કૉન્ગ્રેસના આવા જ ‘ગૅરન્ટીવાળા પ્રચાર’ના સંબંધમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘અમે આ યાત્રામાં ગાડીનું નામ ‘વિકાસ રથ’ રાખ્યું હતું, પરંતુ ૧૫ દિવસમાં લોકોએ એનું નામ બદલીને ‘મોદી કી ગૅરન્ટી વાલી ગાડી’ રાખ્યું છે. મને એ જાણીને ગમ્યું કે તમને મોદી પર આટલો વિશ્વાસ છે. હું પણ તમને વિશ્વાસ અપાવું છું કે તમને આપવામાં આવેલી તમામ ગૅરન્ટીને હું પૂરી કરીશ.’
મહિલા કિસાન ડ્રોન કેન્દ્રની શરૂઆત
વડા પ્રધાને મહિલા કિસાન ડ્રોન કેન્દ્રની શરૂઆત કરી હતી. મહિલાઓના સ્વસહાય ગ્રુપ્સને ડ્રોન પૂરા પાડવામાં આવશે, જેથી તેઓ એનો ઉપયોગ કરીને કમાણી કરી શકે. ત્રણ વર્ષમાં મહિલા સ્વસહાય ગ્રુપ્સને ૧૫,૦૦૦ ડ્રોન્સ આપવામાં આવશે.