28 June, 2023 11:35 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
ભોપાલમાં ગઈ કાલે બીજેપીના વર્કર્સના ટ્રેઇનિંગ પ્રોગ્રામ ‘મેરા બૂથ સબસે મજબૂત’ને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટેનો એજન્ડા ગઈ કાલે સેટ કરી દીધો હતો. ભોપાલથી દેશભરના કાર્યકરોને સંબોધિત કરતાં વડા પ્રધાને એક બાજુ પસમાંદા મુસ્લિમોની ચર્ચા કરીને તુષ્ટીકરણ બદલ કૉન્ગ્રેસની આ પહેલાંની સરકારોની ટીકા કરી હતી. બીજી તરફ યુનિફૉર્મ સિવિલ કોડનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. યુનિફૉર્મ સિવિલ કોડનો મુદ્દો એટલા માટે પણ મહત્ત્વનો છે કે બીજેપીના ચૂંટણી ઘોષણાપત્રમાં આ જ એક વિશેષ મુદ્દો છે કે જેનો અમલ બાકી છે. વડા પ્રધાને લોકસભાની ચૂંટણી પહેલાં યુનિફૉર્મ સિવિલ કોડ સિવાય પસમાંદા મુસ્લિમ તેમ જ દલિતોની વાત કહીને બીજેપીનો એજન્ડા સેટ કર્યો છે. ગઈ કાલનો કાર્યક્રમ લાઇવ હતો. અલગ-અલગ રાજ્યોના બીજેપીના કાર્યકરો પીએમની સાથે વાતચીત કરી રહ્યા હતા. બીજેપી કાર્યકરોના બેથી ત્રણ સવાલના જવાબમાં વડા પ્રધાને ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવનારાં પગલાં તરફ ઇશારો પણ કર્યો હતો.
તેમણે સંકેત આપ્યો હતો કે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારની પ્રાયોરિટી લિસ્ટમાં યુનિફૉર્મ સિવિલ કોડ ટૉપ પર છે અને એ દિશામાં ટૂંક સમયમાં નિર્ણય થઈ શકે છે. બીજેપીના એક કાર્યકરે સવાલ કર્યો હતો કે કેટલાક લોકો યુનિફૉર્મ સિવિલ કોડનો વિરોધ કરી રહ્યા છે જેનાથી મુસ્લિમોને ગેરસમજ થઈ રહી છે. બીજેપી કાર્યકર તરીકે તેમને કેવી રીતે સમજાવવા? જેના જવાબમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘ભારતનાં મુસ્લિમ ભાઈ-બહેનોએ સમજવું પડશે કે કઈ પૉલિટિકલ પાર્ટીઓ તેમને ઉશ્કેરીને એનો પૉલિટિકલ ફાયદો મેળીને તેમને નુકસાન પહોંચાડી રહી છે. અત્યારે યુનિફૉર્મ સિવિલ કોડના નામે લોકોને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે. તમે મને કહો કે એક ઘરમાં પરિવારના એક મેમ્બર માટે એક કાયદો હોય, બીજા મેમ્બર માટે બીજો કાયદો હોય તો શું એ ઘર ચાલી શકશે? આવી બેવડી વ્યવસ્થાથી દેશ કેવી રીતે ચાલી શકશે. ભારતના બંધારણમાં પણ નાગરિકોના સમાન અધિકારની વાત કહેવામાં આવી છે. આ લોકો અમારા પર આરોપો મૂકે છે, પરંતુ તેઓ ખરા અર્થમાં મુસ્લિમોના શુભચિંતક હોત તો મોટા ભાગના મુસ્લિમ પરિવાર શિક્ષણ, રોજગારીમાં પાછળ નહોત.’
દલિતોની વાત કરી
વડા પ્રધાને કહ્યું હતું કે ‘તુષ્ટીકરણની ખરાબ વિચારસરણી ધરાવતા લોકોએ કેટલાંક રાજ્યોના લોકો વચ્ચે ખૂબ અંતર વધારી દીધું છે. અમે જોયું છે કે યુપીમાં પાસી ભાઈ-બહેન, કોયરી, ખટિક ભાઈ-બહેન પૉલિટિક્સના ભોગ બન્યાં અને વિકાસથી વંચિત રહી ગયાં. બિહારમાં દલિતોની સાથે પણ એમ જ થયું. સાઉથ ઇન્ડિયામાં પણ નેતાઓએ સમાજને બરબાદ કર્યા છે.’
પસમાંદા મુસ્લિમોની ચર્ચા અમસ્તી કરી નથી
વડા પ્રધાને કહ્યું હતું કે ‘વોટબૅન્કનું પૉલિટિક્સ કરનારાઓએ પસમાંદા મુસ્લિમોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. તેઓ ખલાસ થઈ ગયા. તેમને કોઈ ફાયદો મળ્યો નથી. તેમના જ ધર્મના એક વર્ગે પસમાંદા મુસ્લિમોનું એટલું શોષણ કર્યું છે, પરંતુ દેશમાં એના વિશે ચર્ચા ન થઈ. પસમાંદાને આજે પણ બરાબરીનો અધિકાર મળતો નથી. તેમને અસ્પૃશ્ય સમજવામાં આવે છે. જોકે બીજેપી ‘સબકા વિકાસ’ની ભાવનાથી કામ કરી રહી છે. નોંધપાત્ર છે કે વડા પ્રધાને આ પહેલાં બીજેેપીના નેતાઓને પસમાંદા મુસ્લિમોને પાર્ટીમાં જોડવા માટે કહ્યું હતું.